For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રજનીકાંતની જાહેરાત: હું અને મારી પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે

Updated: Feb 17th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

તમિલનાડુના સુપર સ્ટાર રજનીકાંતે રવિવારે પોતે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. સાથે જ તેમણે પોતે કે તેમની પાર્ટી અન્ય કોઈ જ પાર્ટીને કોઈ પણ પ્રકારનું સમર્થન નહીં આપે તેવી સ્પષ્ટતા કરી છે.

રજનીકાંતે અધિકારીક રીતે પોતાની પાર્ટી લોન્ચ નથી કરેલી પરંતુ તેમણે રજની મક્કલ મંડરમ નામની ફેન ક્લબ બનાવેલી છે. ૬૮ વર્ષીય અભિનેતાએ તમામ રાજકીય પક્ષને પ્રચાર દરમિયાન તેમના કે તેમની પાર્ટીના નામ, ફોટો અને ધ્વજનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. તેમણે પોતાના પ્રશંસકોને કઈ પાર્ટીને મત આપવો તે અંગે સલાહ આપતા કહ્યું કે તમિલનાડુમાં પાણીની સમસ્યા મુખ્ય પ્રશ્ન છે.

માટે જે પાર્ટી સ્થિર સરકાર આપવાનો દાવો કરે અને જળ સમસ્યાનો ઉકેલ દર્શાવે તેને મત આપવો. ગત વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ રજનીકાંતે રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને અમુક મુદ્દે તેમના વલણને જોતા તેઓ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપશે તેવી શક્યતા જણાઈ રહી હતી.

 પરંતુ રવિવારે મંડરમના ૩૨ જિલ્લાના પદાધિકારીઓ સાથેની બેઠક બાદ તેમણે RMM૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી. પોતાના નિવેદનમાં રજનીકાંતે જણાવ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે પરંતુ તમિલનાડુની વિધાનસભા ચૂંટણી તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. 

ગત વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ રજનીકાંતે પોતાના રાજકારણમાં પ્રવેશ અંગે જાહેરાત કરી હતી અને ૧૨ ડિસેમ્બરે પોતાના જન્મ દિવસ વખતે તેઓ પોતાની પાર્ટી લોન્ચ કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી હતી.

પરંતુ રજનીકાંતે પોતાને કોઈ જ ઉતાવળ ન હોવાનું જાહેર કરીને જન્મ દિવસે પાર્ટી લોન્ચ કરીને તેનો ધ્વજ રજૂ કરવાની યોજના ન હોવાનું જણાવેલું. સાથે જ તેમણે ચોક્કસ કાર્યોને પૂર્ણ કરીને આ માટે તૈયાર થવામાં સમય લાગશે તેમ કહ્યુ હતું. DMK પ્રમુખ કરુણાનિધિ અને AIADMKના સુપ્રીમો જયલલિતાના નિધનને તેમણે તમિલનાડુના રાજકારણમાં પૂરી ન શકાય તેવી ખોટ ગણાવી હતી. 

ચૂંટણી વિશ્લેષકોના મતે રાજ્યની જળ સમસ્યા તરફ ઈશારો કરીને રજનીકાંતે પોતાના પ્રશંસકોને ભાજપને મત આપવા નિર્દેશ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે.  ૨૦૦૦ની શરુઆતના વર્ષોમાં પણ તેમણે નદીઓના જોડાણની તરફેણમાં નિવેદનો આપ્યા હતા અને ભૂખ હડતાલ યોજી હતી. આ ઉપરાંત તેમણે નદીઓના જોડાણની યોજના માટે એક કરોડ રુપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.

વિશ્લેષકોના મતે ભાજપના નીતિન ગડકરી ગોદાવરી અને કાવેરી નદીના જોડાણ અંગે નિવેદન આપ્યા છે પરંતુ કોંગ્રેસે હજુ સુધી નદીઓના જોડાણની યોજનાનો મુદ્દો નથી ઉખાળ્યો. આ કારણે રજનીકાંત પોતાના પ્રશંસકોને ભાજપને મત આપવા નિર્દેશ કરી રહ્યા છે તે સ્પષ્ટ જણાય છે.

Gujarat