For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાન: ગેહલોત અને પાયલટ વચ્ચેના વિવાદનો અંત આવશે? રાજસ્થાન પ્રભારીએ કર્યો આ દાવો

Updated: Dec 31st, 2022


- રંધાવાએ શુક્રવારે વિધાનસભાના સ્પીકર ડૉ. સી.પી. જોશી સાથે મુલાકાત કરી

રાજસ્થાન, તા. 31 ડિસેમ્બર 2022, શનિવાર

કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે, પાર્ટીના રાજ્ય સંગઠનમાં બાકીની નિમણૂકો ટૂંક સમયમાં કરવામાં આવશે. રંધાવાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે સંગઠન અંગે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી છે અને હાલમાં તેઓ પાર્ટી સંગઠનના નિર્માણ પર ભાર મૂકી રહ્યા છે.

તેમણે કહ્યું કે, હજુ તો મેં સંગઠન વિશે વાત કરી છે. પહેલા જિલ્લા, બ્લોક અને પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સંગઠન બનશે. તેમણે કહ્યું કે, આ અંગે ટૂંક સમયમાં યાદી આવશે. તમે એક-બે દિવસમાં જ યાદી જોઈ લેજો. આ સાથે રંધાવાએ કહ્યું કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટને લઈને કોઈની સાથે વાત નથી કરી રહ્યા અને ન તો હમણા કોઈ ટિકીટ આપવામાં આવશે. 


સીએમ ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના વિવાદના સવાલ પર આપ્યો જવાબ

રાજ્યમાં કોંગ્રેસના સંગઠનમાં જિલ્લા અને બ્લોક સ્તરે મોટા પાયે નિમણૂંકો થવાની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે કથિત તણાવના સવાલ પર રંધાવાએ કહ્યું કે, અમે વિવાદ ખતમ કરીશું તે મારું કામ છે. તેણે કહ્યું કે તેઓ કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં નથી બેઠા તે લોકોની વચ્ચે બેઠા છે.

રંધાવાએ સીપી જોશી સાથે પણ કરી મુલાકાત 

પાર્ટીના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થયા બાદ રંધાવા છેલ્લા બે દિવસથી અહીં પાર્ટીના મંત્રીઓ, ધારાસભ્યો અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ જ ક્રમમાં રંધાવાએ શુક્રવારે વિધાનસભાના સ્પીકર ડૉ. સી.પી. જોશી સાથે મુલાકાત કરી હતી. જોશીએ ટ્વીટ કર્યું હતું કે, આજે જયપુર સ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા સાથે મુલાકાત કરી અને વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરી હતી.

Gujarat