18 જુલાઈના રોજ યોજાશે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, 21મી જુલાઈએ મળશે નવા રાષ્ટ્રપતિ


- 24 જુલાઈના રોજ સમાપ્ત થશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ

નવી દિલ્હી, તા. 09 જૂન 2022, ગુરૂવાર

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી દીધી છે. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને ત્યાર બાદ 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તે દિવસે જ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. 

આગામી તારીખ 24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે. 

અગત્યની તારીખો-

- 15 જૂનના રોજ ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે

- 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે

- 30 જૂનના રોજ ઉમેદવારીની સ્ક્રુટિની હાથ ધરાશે

- 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે

- 18 જુલાઈના રોજ મતદાન યોજાશે

- 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર થશે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સામાન્ય જનતા મત ન આપી શકે. તેના માટે જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ અને ઉચ્ચ સદનના પ્રતિનિધિઓ મત આપી શકે છે. જેમ કે, લોકસભા અને રાજ્યસભાના સદસ્યો રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મત આપી શકે છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે. 

આ ઉપરાંત બધા રાજ્યોની વિધાનસભાના સદસ્યો પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મત આપી શકે છે. તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને પુડ્ડુચેરીની વિધાનસભાના સદસ્યો પણ સામેલ છે. 

આ વખતની ચૂંટણીમાં કુલ 776 સાંસદો અને 4,033 ધારાસભ્યો સહિત કુલ 4,809 મતદારો પોતાનો મત આપશે. 

ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીમાં મતદાન માટે ખાસ ઈન્કવાળી પેન આપવામાં આવશે. મત આપવા માટે 1,2,3 પસંદગી જણાવવાની રહેશે. પ્રથમ પસંદ ના જણાવવા પર મત રદ થશે. 

બીજી તરફ રાજકીય પક્ષો આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્હીપ જાહેર ન કરી શકશે. સંસદ અને વિધાનસભામાં મત ગણતરી થશે. રાજ્યસભાના મહાસચિવ ચૂંટણી પ્રભારી હશે. આ ઉપરાંત કોરોના પ્રોટોકોલના પાલન માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. 

City News

Sports

RECENT NEWS