પ્રશાંત કિશોર શરત હાર્યા, બિહાર ચૂંટણી અંગેની ભવિષ્યવાણી ખોટી પડી! હવે શું કરશે?

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સરકાર બનતી દેખાઈ રહી છે. આ પરિણામોએ ત્રીજા બળ તરીકે ઊભરી આવવા માંગતા જનસુરાજના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરને મોટો ઝટકો આપ્યો છે. માત્ર તેની પાર્ટીનું પ્રદર્શન જ નિરાશાજનક નથી રહ્યું, પરંતુ તેમણે JDUની બેઠકો વિશે કરેલી ભવિષ્યવાણી પણ સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે.
પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી નિષ્ફળ
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર સવારે 10:30 વાગ્યા સુધીના વલણો NDA માટે સ્પષ્ટ વિજય દર્શાવે છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર પદ સંભાળવાની તૈયારીમાં છે. JDU અને BJP વચ્ચે સૌથી મોટા પક્ષની રેસ ચાલી રહી છે, જ્યાં ક્યારેક JDU તો ક્યારેક BJP નજીવી લીડ સાથે આગળ દેખાય છે. ત્યારે પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત દાવો કર્યો હતો કે આ વખતે JDU 25થી વધુ બેઠકો નહીં જીતે. હવે વલણો સ્પષ્ટ સંકેત આપે છે કે JDU 25 બેઠકોના આંકડાને વટાવી ચૂક્યું છે અને તે પ્રશાંત કિશોરની કલ્પના કરતાં ત્રણ ગણી વધુ બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: NDAને બહુમતી વચ્ચે ભાજપ માટે ટેન્શનની વાત! ગઢ સમાન ગણાતી બેઠક પર આ ભૂલ ભારે પડશે!
'જો મારી ભવિષ્યવાણી ખોટી સાબિત થશે, તો હું રાજકારણ છોડી દઈશ'
આ પરિણામો બાદ હવે સૌથી મોટો સવાલ પ્રશાંત કિશોરના વચન પર ઊભો થયો છે. પ્રશાંત કિશોરે અનેક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'જો JDU 25થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજકારણ છોડી દેશે.' હવે એ જોવું રસપ્રદ રહેશે કે પ્રશાંત કિશોર પોતાની શરત હાર્યા પછી રાજકારણમાંથી નિવૃત્તિ લે છે કે પછી કોઈ બહાનું કાઢીને પોતાના વચનથી પાછા હટી જાય છે. એક રાજકીય વ્યૂહરચનાકાર તરીકે સફળ કારકિર્દી બાદ રાજકારણમાં પ્રવેશનાર પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી પરિણામ એક મોટો વ્યક્તિગત પડકાર લઈને આવ્યા છે.
JDUને 25થી ઓછી બેઠકો મળશે
પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં JDUને 25થી વધુ બેઠકો નહીં મળે. તેમણે શરત લગાવતા કહ્યું છે કે જો JDU 25થી વધુ બેઠકો જીતી જશે, તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે ભાજપ માટે કરેલી આવી જ ભવિષ્યવાણીને યાદ અપાવી, જે સાચી પડી હતી.
નીતીશ કુમાર મુખ્યમંત્રી નહીં રહે તેવો પણ દાવો કર્યો હતો
તેમણે એવો પણ દાવો કર્યો છે કે બિહાર ચૂંટણીના પરિણામો (નવેમ્બર 2025) પછી નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદે નહીં રહે. તેમણે કહ્યું છે કે આ વાત લખીને લઈ લો અને જો આ ભવિષ્યવાણી ખોટી પડે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે.

