જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા

Raids on Jamaat-E-Islami Members Residences: જમ્મુ-કાશ્મીર પોલીસે આજે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી (JeI) વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે ખીણપ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. પોલીસે જણાવ્યું કે છેલ્લા ચાર દિવસ દરમિયાન, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ), JKNOPs (જમ્મુ અને કાશ્મીર નેશનલ ઑપરેશન પ્લાન), અગાઉ એન્કાઉન્ટર થયેલા સ્થળો અને સક્રિય તથા ઠાર કરાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર 400થી વધુ ઘેરાબંદી અને તલાશી અભિયાન (CASO) ચલાવવામાં આવ્યા છે.
જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર દરોડા
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે શોપિયાં, કુલગામ, બારામુલા અને ગાંદરબલ જિલ્લાઓ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા અને તલાશી JeI સભ્યો અને તેમના સહયોગીઓના નિવાસસ્થાનો અને પરિસરો પર કરવામાં આવી હતી. આ કાર્યવાહી પાયાના સ્તરે આતંકવાદી ઇકોસિસ્ટમ અને તેના સહાયક માળખાને તોડી પાડવાના સતત પ્રયાસોનો એક ભાગ છે. હાલ ઓપરેશન ચાલુ છે અને વધુ તપાસ ચાલી રહી છે.
સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 12 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની ઝપેટમાં આવેલા અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

