For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદીએ ફરી કહ્યું કે, આતંકવાદીઓ જ્યાં પણ છુપાયા હશે ત્યાંથી શોધીને સજા આપીશુ

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 16. ફેબ્રુઆરી 2019 શનિવાર

મહારાષ્ટ્રના યવતમાલમાં વિકાસકાર્યોની આધારશિલા મુકવા માટે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશવાસીઓને આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે મેં કાલે પણ કહ્યું છે અને આજે ફરી કહી રહ્યો છું કે શહીદોનુ બલિદાન એળે નહી જાય.આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે ગુનો કર્યો છે એ પછી તેઓ જ્યાં પણ સંતાવાની કોશિશ કરે ત્યાંથી શોધી કાઢીને તેમને સજા આપીશું.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણને આપણા સુરક્ષાદળોના પરાક્રમ પર ગર્વ છે અને ભરોસો પણ છે.સૈનિકો અને ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે તે દેશ સમજી શકે છે અને એટલા માટે જ સુરક્ષાદળોને ખુલ્લી છુટ આપવામાં આવી છે.હું જાણું છું કે દેશ વેદના અનુભવી રહ્યો છે.આતંકવાદીઓની હરકતને લઈને તમારો જે ગુસ્સો છે તે પણ હું સમજી શકું છું.

પીએમે કહ્યુ હતુ કે શહીદ થનારામાં મહારાષ્ટ્રના બે વીર સપૂતો પણ છે.જે પરિવારોએ પોતાના દિકરાઓને ગુમાવ્યા છે તેમની પીડા હું અનુભવી રહ્યો છું.આપણા તમામની સંવેદનાઓ તેમની સાથે છે.

મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલો દેશ જ્યાં આતંકવાદને આશરો આપવામાં આવે છે તે આજે દેવાળિયા થવાના આરે છે. આતંકવાદનુ બીજુ નામ આ દેશ બની ચુક્યો છે.હું ફરી કહું છું કે તમે ધીરજ રાખો, તમારા જવાનો પર ભરોસો રાખો, પુલવામાના ગુનેગારોને કેવી રીતે, ક્યાં અને ક્યારે, કોણ સજા આપશે તે બધુ જ આપણા જવાનો નક્કી કરશે.

Gujarat