For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, જુઠ્ઠાણા ફેલાવતા વિપક્ષોથી સાવધ રહે ખેડૂતોઃ PM

Updated: Sep 18th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા.18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

સંસદમાં રજૂ થયેલા કૃષિ બિલના પગલે એનડીએની અંદર જ સંગ્રામ છેડાયો છે. આ બિલના વિરોધમાં અકાલી દળના નેતા અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌરે મંત્રી મંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે.

જોકે પીએમ મોદી આ બિલને પાસ કરવા માટે મકક્મ છે. ઉલટાનુ તેમણે અકાલી દળ અને કોંગ્રેસ પર પ્રહારો કરીને કહ્યુ હતુ કે, બિલનો વિરોધ કરનારા લોકો MSP અને સરકારી ખરીદીની વ્યવસ્થા ખતમ થઈ જશે તેવી અફવા ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, બિલના કારણે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના વચેટિયાઓ ખતમ થઈ જશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે પણ કેટલાક લોકોને ખાલી વિરોધ જ કરવો છે એટલે બિલનો વિરોધ કરી રહ્યા છે.

બિહારમાં કોસીમાં રેલવે પુલના ઉદઘાટન પ્રસંગે મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, આ બિલના કારણે ખેડૂતોને અનેક બંધનોથી મુક્તિ મળી છે.ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે વધારે વિકલ્પ મળશે અને તેમની ાવક વધશે.ખેડૂતોને લલચાવવા માટે ચૂંટણી સમયે મોટા  મોટા વાયદા કરનારા વિરોધ પક્ષો ચૂંટણી બાદ આ વાયદા ભુલી જતા હતા.હવે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સારુ કામ કરી રહી છે ત્યારે વિપક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે.જે બદલાવનો વિરોધ થઈ રહ્યો છે તે જ બદલાવ લાવવાની વાતો વિપક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી.જોકે હવે એનડીએ સરકારે આ બદલાવ કર્યો છે એટલે વિપક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, બિલનો વિરોધ કરનારા લોકોથી ખેડૂતો સાવધ રહે.આજે હું ખેડૂતોને કહેવા માંગુ છું કે, કોઈ જાતના ભ્રમમાં ના રહેતા.જેમણે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યુ અને તેઓ આજે ખેડૂતોને જુઠ્ઠુ બોલી રહ્યા છે.આ લોકો જ છે જે ખેડૂતોને બંધનોમાં જકડી રાખવા માંગે છે અને ખેડૂતોની કમાણી લૂંટી જનારા વચેટિયાઓ માટે બિલનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતને તેની પેદાશ કોઈ પણ જગ્યાએ અને કોઈને પણ વેચવાની આઝાદી આપવાનો નિર્ણય બહુ ઐતિહાસિક છે.ભારતનો ખેડૂત હવે બંધનોમાં નહી પણ મુક્ત થઈને ખેતી કરશે.

Gujarat