For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જન જન વૈશ્વિક મહામારી સામેની લડતમાં નેતૃત્વ કરી રહ્યુ છે : PM મોદી

- એકબીજાને મદદ કરવાની ભાવના જ દેશને મજબૂત બનાવી રહી છે

Updated: Apr 26th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2020, રવિવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 કલાકે પોતાના કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશની પ્રજાનું સંબોધન કર્યુ છે. તેમણે નમ્રતાથી દેશને નમન કરતાં દેશની જનતાનો કોરોના સામે સાથે મળીને લડત લડવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મોટું યજ્ઞ ચાલી રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. કોરોના સામેની લડાઇ દેશવાસીઓ લડી રહ્યા છે. જનતા સાથે મળીને શાસન અને પ્રશાસન કામ કરી રહ્યુ છે. 

વડાપ્રધાન મોદીએ covidwarriors.gov.in પૉર્ટલ વિશે પણ માહિતી આપી હતી જેમાં સવા સો કરોડ દેશવાસીઓ જોડાઇને કોરોના વૉરિયર બની શકે છે. વૈશ્વિક મહામારી વચ્ચે ખેડૂતો રાતદિવસ પરિશ્રમ કરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આપણે ભાગ્યશાળી છે કે આજે સમગ્ર દેશ, દેશની તમામ જનતા, જન જન આ લડાઇનો સિપાહી છે અને લડાઇનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે દેશ એક ટીમ બનીને એક લક્ષ્ય, એક દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતમાં નવા બદલાવની શરૂઆત થઇ છે. 

તેમણે કહ્યું ડૉક્ટર્સ, સફાઇકર્મચારી તથા અન્ય સેવાઓ આપતા લોકો તેમજ પોલીસકર્મચારીઓ માટે લોકોનો અભિગમ બદલાયો છે. કોરોના સામેની લડતમાં લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. બીજાની મદદ માટે આગળ આવતા લોકોની ભાવના દેશને તાકાત આપે છે.

કોઇ ભાડું માફ કરીને મદદ કરે છે તો કોઇ ગરીબને ભોજન આપીને મદદ કરે છે.  કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. રેલવે, એવિએશન ક્ષેત્રમાં પણ લોકો રાત-દિવસ કામ કરી રહ્યા છે. 

તાળી, થાળી, દીવા, મીણબતી જે ભાવનાનો જન્મ થયો છે તેનાથી મહામારી સામે લડવાની પ્રેરણા મળી રહી છે. ભારતે પ્રકૃતિ, વિકૃતિથી પરે રહીને દેશની સંસ્કૃતિની રક્ષા કરી છે. વિશ્વના દરેક જરૂરમંદ લોકોને દવા પહોંચાડવાનો નિર્ણય કર્યો. જ્યારે અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષો થેન્ક યુ પીપલ ઑફ ઇન્ડિયા કહે છે ત્યારે દેશ માટે ગર્વ થાય છે. ઇમ્યુનિટી વધારવા માટે વિશ્વભરમાં યોગ અને આર્યુવેદની ચર્ચા થઇ રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે મને વિશ્વાસ છે કે દેશવાસીઓ પણ આયુષ મંત્રાલયના નિર્દેશનું પાલન કરે છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યુ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. જાહેરમાં થૂંકવું તે દેશની સૌથી મોટી સમસ્યા છે હવે સમય આવી ગયો છે કે આપણે આ ખરાબ આદતને હંમેશા હંમેશા માટે ખતમ કરી દેવી જોઇએ. 

પીએમ મોદીએ અક્ષય તૃતિયાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આપણી ભાવના, આત્મા અક્ષય છે જેનો ક્ષય થતો નથી નાશ થતો નથી. કોઇ પણ મુશ્કેલીઓ સામે લડવાની માનવીય ભાવનાઓ અક્ષય છે. જૈન પરંપરામાં પણ આજનો દિવસ પવિત્ર માનવામાં આવે છે. રમજાનનો પણ પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે. વિશ્વભરમાં કોરોનાનો સંકટ છે ત્યારે આ અવસર છે કે રમજાનને સંયમ, સંવેદનશીલતા અને સદ્દભાવનાનું પ્રતિક બનાવે. આ પવિત્ર મહિનામાં ઇબાદત કરીએ કે ઇદ પહેલાં કોરોના ખતમ થઇ જાય. આ સાથે જ વડાપ્રધાન મોદીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવાની પણ અપીલ કરી છે. 

Gujarat