NIAની કાર્યવાહીથી ભડકી PFI: કાર્યકરોએ 'કેરળ બંધ' દરમિયાન કરી હિંસા, હાઈકોર્ટે પણ નોંધ લીધી


- NIAએ PFIના 93 સ્થળોએ દરોડા પાડી 106 લોકોની ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દેશના 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના 93 સ્થળો ઉપર દરોડા પાડ્યાના એક દિવસ બાદ PFIએ શુક્રવારના રોજ કેરળ બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન કેરળના વિવિધ ભાગોમાંથી હિંસાની ઘટનાઓ સામે આવી છે. તિરૂવનંતપુરમ અને કોયટ્ટમમાં PFI કાર્યકરોએ સરકારી બસો અને વાહનોની તોડફોડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કોલ્લમમાં મોટર સાઈકલ સવાર PFI કાર્યકર્તાઓએ 2 પોલીસકર્મીઓ ઉપર હુમલો કર્યો હતો. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શહેરોમાં વધુ પોલીસ બળ તૈનાત કર્યું હતું. PFIના નેતાઓ દ્વારા બોલાવેલ રાજ્યવ્યાપી બંધને કેરળ હાઈકોર્ટે ધ્યાને લઈને કહ્યું છે કે, પરવાનગી લીધા વગર બંધનું એલાન ન કરી શકાય, ધરપકડો બાદ આવા પ્રદર્શન યોગ્ય નથી.

PFI કાર્યકર્તાઓએ કેરળના તિરૂવનંતપુરમ, કોલ્લમ, કોઝીકોડ, વાયનાડ અને અલાપ્પુઝા સહિત વિવિધ જિલ્લાઓમાં કેરળ રાજ્ય માર્ગ પરિવહનની નિગમ બસો ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત શુક્રવારે સવારે કન્નૂરના નારાયણપારામાં વિતરણ માટે અખબાર લઈ જતા એર વાહન ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. PFIના સમર્થકો દ્વારા અલાપ્પુઝામાં KSRTCની બસ, એક ટેન્કર તથા અન્ય વાહનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. PFI કાર્યકર્તાઓ દ્વારા કોઝીનોડ અને કન્નૂરમાં કરવામાં આવેલા પથ્થરમારામાં એક 15 વર્ષની છોકરી અને એક રિક્ષાચાલકને મામુલી ઈજાઓ થઈ હતી. હિંસક વિરોધને જોતા કેરળ સરકારે તમામ જિલ્લાના પોલીસ વડાઓને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી છે. પોલીસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

નિયંત્રિત શાસનના ફાસીવાદી પગલાનો વિરોધ કરવા માટે હડતાલઃ PFI

PFIએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, અમારા ટોચના નેતાઓની ધરપકડ નિયંત્રિત દમનકારી શાસન દ્વારા ફેલાવવામાં આવેલ આતંકનો ભાગ છે. PFIના રાજ્ય સચિવ એ. અબૂબકે કહ્યું હતું કે, અમારી હડતાલ નિયંત્રિત શાસનના ફાસીવાદી પગલાનો વિરોધ કરવા માટે છે. અમે તમામ લોકતાંત્રિક દળો પાસેથી સમર્થનની આશા રાખીએ છીએ. PFI નેતાઓએ કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અંગે કહ્યું હતું કે, તેમની ઓફિસોમાંથી જપ્ત કરવામાં આવેલા કેટલાક જનસંપર્ક દસ્તાવેજોને ગુપ્ત દસ્તાવેજનો કરાર આપવામાં આવ્યો છે. NIA અને EDએ સાથે મળીને ગુરૂવારના રોજ ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આસામ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને રાજસ્થાનમાં દરોડો પાડ્યો હતો. PFIના 106 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ એનઆઈએના પીએફઆઈના ૯૩ સ્થળો પર દરોડા, ૧૫ રાજ્યોમાં ૧૦૬ની ધરપકડ

વિજયન સરકારનું વોટ બેન્ક માટે PFI ઉપર નરમ વલણઃ BJP

કેરળના BJP પ્રમુખ કે. સુરેન્દ્રને આરોપ લગાવ્યો હતો કે, PFI દ્વારા અગાઉ જાહેર કરેલી તમામ હડતાલોમાં રમખાણો થયા છે. રાજ્યના સત્તાધિકારીઓએ લોકોના જાન-માલની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે, PFI બાહુબળ દ્વારા આતંકવાદના કેસોનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહી છે અને તેના નેતૃત્વને એ બાબતનું ધ્યાન રાખવાનું કહ્યું કે, ભારત એક લોકશાહી દેશ છે ધાર્મિક રાષ્ટ્ર નથી. કેરળ હાઈકોર્ટના બિનજરૂરી હડતાલની સામે આકરા વલણ છતા ડાબેરી સરકાર વોટબેંક ઉપર નજર રાખીને PFI પ્રત્યે નરમ વલણ દાખવી રહી છે. 

આ પણ વાંચોઃ NIA દ્વારા હજી સુધીમાં હાથ ધરાયેલી સૌથી વ્યાપક કાર્યવાહી : 100 થી વધુ PFIના નેતાઓની ધરપકડ

PFIના સ્થળો ઉપર કેમ દરોડો પાડ્યો

NIAના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને હૈદરાબાદમાં આતંકી ગતિવિધી વધારવા માટે મોટી સંખ્યામાં ટેરર ફંડિગ કરવામાં આવ્યું હતું. કડીઓ તપાસ્યા બાદ તપાસ એજન્સીએ PFIના સ્થળો ઉપર દરોડો પાડ્યો હતો. NIAને સુચના મળી હતી કે, PFI અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટા પાયે ટ્રેનિંગ કેમ્પોનું આયોજન કરી રહી છે. તેમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવાની સાથે લોકોના બ્રેનવોશ પણ કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત ગત જુલાઈએ પટનાની પાસે ફુલવારી શરીફમાં મળેલા આતંકી મોડ્યુલ અંગે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ફુલવારી શરીફમાં PFIના સભ્યો પાસેથી ‘ઈન્ડિયા@2047’ નામનું 7 પાનાનું ડોક્યુમેન્ટ પણ મળ્યું હતું. તેમાં આગામી 25 વર્ષમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની પ્લાનિંગ હતી. 


City News

Sports

RECENT NEWS