For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનમાં ભારતીય ટમેટા બાદ હવે પાનની નિકાસ પણ અટકાવાઈ

- પુલવામા હુમલા પછી ચોમેરથી પાકિસ્તાનને ઘેરવાનો વ્યૂહ

- ખેડૂતો-નિકાસકારોનો સ્વૈચ્છિક નિર્ણય

Updated: Feb 26th, 2019

Article Content Image

ભારતે નિકાસ ન કરતા પાકિસ્તાનમાં ટમેટાનો ભાવ કિલોએ રૂ.૨૦૦ને પાર 

નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર

પુલવામા હુમલા પછી ભારતના ખેડૂતો અને વેપારીઓએ સ્વંયભૂ સૈન્યના સમર્થનમાં પાકિસ્તાનનો અનોખો વિરોધ કરીને ભારતની ચીજ-વસ્તુઓની નિકાસ અટકાવી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતો-વેપારીઓએ પાનની નિકાસ અટકાવીને પાક.ને વધુ એક ફટકો આપ્યો છે.

સીઆરપીએફના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો તે પછી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે વિવિધ મોરચે ઘેરવાની ભારતે નીતિ અપનાવી છે. એમાં ભારતના ખેડૂતો ને વેપારીઓ પણ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. અગાઉ ભારતના નિકાસકારો અને ખેડૂતોએ મળીને ટમેટાની નિકાસ અટકાવી દીધી હતી. એ જ રીતે હવે મધ્યપ્રદેશના ખેડૂતો અને નિકાસકારોએ પાનની નિકાસ અટકાવી દીધી છે.

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ખેડૂતો પાનના ઉત્પાદનમાં મોખરે રહે છે. આ વિસ્તારના પાનની ડિમાન્ડ ભારત ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ રહે છે. છત્તરપુર, ગઢીમલહરા, મહારાજપુર, પિપટ, પનાગર અને મહોબા વગેરેના પાન ઉત્પાદક ખેડૂતો અને નિકાસકારોએ પાકિસ્તાનને પાનની સપ્લાય અટકાવી દીધી છે. પાકિસ્તાનના પાન શોખીનો હવે આ પાન માટે તરસશે.

મધ્યપ્રદેશના આ વિસ્તારમાંથી સપ્તાહમાં ૧૫૦ બંડલ પાન પાકિસ્તાન પહોંચે છે. એક બંડલની કિંમત લગભગ ૩૦ હજાર રૃપિયા થતી હોય છે. તે હિસાબે આ વિસ્તારના ખેડૂતો સપ્તાહમાં લગભગ ૧૫ લાખ રૃપિયાના પાનની નિકાસ કરે છે. આ નિકાસ અટકી જતાં સપ્તાહમાં ૧૫ લાખની ખોટ આવી શકે છે, પરંતુ એની ભરપાઈ કરવા માટે અન્ય માર્કેટ તરફ નજર દોડાવાશે.

અન્ય દેશ કે શહેરોમાં નિકાસ વધારવામાં આવશે, પરંતુ અત્યારે પાકિસ્તાનને પાન ન આપવાનો નિર્ણય આ ખેડૂતોએ કર્યો હતો. અગાઉ મધ્યપ્રદેશના જ ઝાબુઆ વિસ્તારના ખેડૂતોએ માતબર ટમેટાની નિકાસ અટકાવી દીધી હતી. એ કારણે પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારોમાં ટમેટાના ભાવમાં માતબર ઉછાળો આવ્યો હતો.

Gujarat