For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૈન્ય પરિવહનની માહિતી ગુપ્ત રાખવા રેલ્વે દ્વારા ક્ષેત્રીય કાર્યાલયોને આદેશ

- પુલવામા હુમલા બાદ સૈનિકો અને સેનાના સાધનો વિશે ગુપ્તતા જાળવવા તકેદારી

- વિશેષ સૈન્ય ટ્રેનના પરિવહન અંગે કોઈને પણ ન જણાવવા સૂચના

Updated: Feb 24th, 2019


(પીટીઆઈ ) નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

પુલવામા હુમલા બાદ રેલ્વેએ પોતાના ક્ષેત્રીય કાર્યાલયોને સૈન્ય અને સેનાના ભારે સરંજામના પરિવહન અંગે ગુપ્તતા જાળવવા આદેશ આપ્યો છે.  પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રેલ્વેએ પોતાના ક્ષેત્રીય કાર્યાલયોને ટ્રેન મારફતે સૈનિકો કે સૈન્યના ઉપકરણોના પરિવહન સંબંધીત માહિતી અંગે ગુપ્તતા જાળવવા અને તેને લગતી કોઈ પણ વાત જાહેર ન કરવા નિર્દેશ કર્યો છે.

 રેલ્વેએ સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાના બે દિવસ બાદ ૧૬ ફેબુ્રઆરીના રોજ એક પત્ર મારફતે આ નિર્દેશ જાહેર કર્યો હતો. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ૪૦ જવાન શહીદ થયા હતા. રેલ્વેના નિર્દેશ મુજબ સૈનિકો અને તોપ તથા ટેન્કર જેવા ભારે ઉપકરણોના પરિવહન માટે વપરાતી ટ્રેન સંબંધી માહિતીની ગુપ્તતા જાળવવી.

નિર્દેશ મુજબ વિશેષ સૈન્ય ટ્રેનના પરિવહન અંગે જે વ્યક્તિ પોતાને વરિષ્ઠ રેલ્વે અધિકારી, ડિફેન્સ કે ઈન્ટેલિજન્સ અધિકારી તરીકે ઓળખાવે તેને પણ માહિતી ન આપવી. મિલરેલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશમાં રેલ્વેના તમામ મંડળ અને ક્ષેત્રીય કાર્યાલયોને સ્ટેશન માસ્ટર, નિયંત્રકો અને સ્ટેશન સ્ટાફને ગુપ્તતા જાળવવા અંગે સતર્ક કરવા જણાવાયું છે. 

આ નિર્દેશના ઉલ્લંઘનના કારણે ગંભીર પરિણામો મળી શકે છે. સમગ્ર રેલ નેટવર્કમાં સૈન્ય અને તેમના ઉપકરણોના પરિવહનનું સંચાલન મિલરેલ દ્વારા કરવામાં આવે છે. સેના ભવન ખાતે આવેલા આર્મી હેડક્વાર્ટરથી મિલરેલ સંચાલિત થાય છે. સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ આ આદેશ ખૂબ મહત્વનો બની ગયો છે. 

સીઆરપીએફ દ્વારા પણ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા જમ્મુ કાશ્મીરમાં તેમના કાફલો નીકળે તે વખતે અસૈન્ય નાગરિકોના આવવા-જવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. સૈન્ય ટ્રેન માટે પહેલેથી જ સાવધાની વર્તવામાં આવે છે અને તેના અંગેની સૂચનાઓ સંબંધીત રેલ્વે ઝોનને મિલરેલ દ્વારા કોડ ભાષામાં જ મોકલવામાં આવે છે. સાંકેતિક ભાષામાં મોકલાયેલા આ મિલરેલને સમજવા માટે એકમની રચના કરવામાં આવેલી છે.

Gujarat