For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અરુણાચલમાં PRC મુદ્દે ઉગ્ર વિરોધ, ડેપ્યૂટી સીએમના ઘર પર હુમલો

- રાજ્યની બહારના લોકોને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર આપવા મુદ્દે લોકોમાં રોષ

- બેકાબુ પ્રદર્શનકારીઓને રોકવા પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એકનું મોત

Updated: Feb 24th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

અરુણાચલ પ્રદેશમાં છ આદિવાસી સમૂદાયને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર(પીઆરસી) આપવાના પ્રસ્તાવ વિરુદ્ધ રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવીને દેખાવો કરી રહ્યા છે. આ પ્રસ્તાવથી અસંતુષ્ટ લોકોએ ઉપ મુખ્યમંત્રી ચૌના મેનના ઘર પર હુમલો કર્યો હતો.

અરુણાચલ પ્રદેશમાં છ આદિવાસી સમૂદાયના લોકોને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર આપવાના પ્રસ્તાવ વિરુદ્ધ રાજ્યની મૂળ પ્રજામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રસ્તાવના વિરોધમાં લોકો બંધ પાળી રહ્યા છે અને રાજ્યના અમુક વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવીને દેખાવો કરી રહ્યા છે.

ઉશ્કેરાયેલા લોકોએ રવિવારે ઉપ મુખ્યમંત્રી ચૌના મેનના ઘરના પાર્કિંગમાં રહેલી એક કારને આગ ચાંપી હતી અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. વાતાવરણમાં પ્રસરેલી તંગદિલીને ધ્યાને રાખીને ચૌના મેનને ઈટાનગરથી નામાસાઈ જિલ્લામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ઉશ્કેરાયેલા સ્થાનીય ટોળાએ બિનઅરુણાચલવાસીઓને સ્થાયી નિવાસ પ્રમાણપત્ર આપવા સરકારે નિયુક્ત કરેલી પેનલની ભલામણોમાં બદલાવની માંગ સાથે શનિવારે ઈટાનગર સિવિલ સચિવાલયમાં પ્રવેશવા કોશિશ કરી હતી.

આ દરમિયાન પોલીસે તેમને રોકવા માટે મજબૂરીવશ ગોળીબાર કરવો પડયો હતો જેમાં એક વ્યક્તિનું નિધન થયુ હતું અને નાસભાગમાં અનેકને ઈજા પહોંચી હતી. પોલીસે ૨૧ જેટલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નિર્દોષ વ્યક્તિના મોત અંગે જાણીને દુખ થયુ હોવાનુ કહીને ઘાયલો જલ્દી સાજા થાય અને રાજ્યમાં ફરી શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડૂ સાથે વાત કરીને રાજ્યની સ્થિતિ અંગે જાણકારી મેળવી છે.

જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશની સરકારે નામસાઈ અને ચાંગલાવ જિલ્લાના છ આદિવાસી સમૂદાયના લોકોને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર પાઠવવા અંગે વિચારણા થઈ રહી હોવાની ઘોષણા કરી હતી અને ત્યાર બાદ રાજ્યના અમુક વિસ્તારોમાં લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

Gujarat