26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનો હતો પ્લાન...! ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો

Scary Revelations During Interrogation of Dr. Muzammil: સોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા બ્લાસ્ટથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. દિલ્હી બ્લાસ્ટના ત્રણ પ્રમુખ શંકાસ્પદોમાં ડૉ. મુજમ્મિલ, ડૉ. આદિલ અહેમદ ડાર અને ડૉ. ઉમર છે. ડૉ. ઉમર બ્લાસ્ટ સમયે જ માર્યો ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ડૉ. મુજમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો થયો છે. આ ડરામણો ખુલાસો એ છે કે આ લોકોએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલાનો પ્લાન બનાવ્યો હતો.
26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનો હતો પ્લાન
દિલ્હી બ્લાસ્ટ મામલે મુજમ્મિલની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી. આ માહિતી ડૉ. મુજમ્મિલના ફોનના ડમ્પ ડેટામાંથી મળી છે. પૂછપરછમાં તપાસ એજન્સીને એ પણ જાણવા મળ્યું છે કે, તેમનો પ્લાન 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને ટાર્ગેટ કરવાનો હતો. તેઓ દિવાળી પર પણ ભીડભાડવાળી જગ્યાને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.
અત્યાર સુધીમાં 13 લોકોના મોત
સોમવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાંથી 2,900 કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યું હતું. તેના કલાકોમાં જ લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ડૉ. ઉમર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી મોડ્યુલનો એક સભ્ય હતો, જેમાં ડૉ. મુજમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડાર પણ સામેલ હતા. દિલ્હી વિસ્ફોટોમાં મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે અને 21 ઘાયલ લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આમાંથી પણ ઘણાની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ
જમ્મુ-કાશ્મીર પોલીસ હાફિઝ ઇશ્તિયાકને ફરીદાબાદથી શ્રીનગર લઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ડૉ. મુજમ્મિલે હાફિઝ ઇશ્તિયાકનું જ ઘર ભાડે રાખ્યું હતું. મુજમ્મિલે હાફિઝ ઇશ્તિયાક પાસેથી ભાડે લીધેલા ઘરના એક રૂમમાંથી 2563 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. NIA પણ હાફિઝ ઇશ્તિયાકની પૂછપરછ કરી રહી છે.

