Get The App

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 1 - image


- હિમાચલમાં તાબોમાં માઈનસ 5.3 ડિગ્રી, મ. પ્રદેશના છિંદવાડામાં 6.2 ડિગ્રી તાપમાન : દિલ્હીમાં 9 ડિગ્રી સાથે નવે.માં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ

- દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય થયું, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા

- જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે હિમવર્ષના હવામાન વિભાગની ચેતવણી

Weather news : દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, જેથી લોકોની સમસ્યા વધી ગઈ છે. ઉત્તર અને મધ્ય ભારત શીતલહેર, ધુમ્મસ અને નીચે ગગડતા પારાની ઝપેટમાં આવી ગયું છે. છત્તીસગઢના અંબિકાપુર, સરગુજામાં નવેમ્બરમાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં ઠંડી હવે તેનું રૌદ્ર રૂપ દર્શાવશે. બીજીબાજુ હવામાન વિભાગે પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાની ચેતવણી આપી છે તથા દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસાની અસરના કારણે ભારે વરસાદની એલર્ટ અપાઈ છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદના પગલે ઠંડી વધી શકે છે.

ઉત્તર ભારત અને મધ્ય ભારત શીત લહેરની ઝપેટમાં આવી ગયા છે ત્યારે છત્તીસગઢમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી તિવ્ર ઠંડીના કારણે પારો ઘણો નીચે ગગડી ગયો છે. અંબિકાપુર અને સરગુજામાં શીતલહેરના કારણે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મૈનપાટ અને બલરામપુર જિલ્લાના સામરીપાટમાં તાપમાન પાંચ ડિગ્રીથી પણ નીચે હતું, જે સામાન્ય કરતાં લગભગ 6 ડિગ્રી નીચું હતું. પરિણામે નવેમ્બરમાં ઠંડીએ છેલ્લા 57 વર્ષનો રેકોર્ડ તોડયો છે. અહીં નવેમ્બર મહિનામાં તાપમાન આટલું નીચું ક્યારેય ગયું નહોતું. છત્તીસગઢમાં નવેમ્બરમાં સરેરાશ તાપમાન 11.8 ડિગ્રી હોય છે. છત્તીસગઢમાં મંગળવાર સુધી લોકોને ઠંડીથી રાહત નહીં મળે.

પ્રદૂષણના કારણે સતત ચર્ચામાં રહેતી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પણ રવિવારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી સે. નોંધાયું હતું, જેથી દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવેમ્બરનો આ સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. દિલ્હીમાં 29 નવેમ્બર 2022 પછી આજનો દિવસ સૌથી ઠંડો હતો, તે સમયે દિલ્હીમાં તાપમાન 7.3 ડિગ્રી સે. નોંધાયું હતું.

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં પણ રવિવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. છિંદવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાન 6.2 ડિગ્રી સે. સુધી ગગડી ગયું હતું જ્યારે શહેરોમાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું હતું. શીત લહેરના કારણે વહેલી સવારે અને સાંજના સમયે બરફીલી હવાઓની અસર સ્પષ્ટપણે અનુભવાય છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્ય સરકારે સ્કૂલોને સવારે 8:30 કલાક પહેલા નહીં ખોલવાનો આદેશ આપ્યો છે. ગામડાઓમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, પંજાબથી લઈને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 4 ડિગ્રી સે. ગગડયું છે.

પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે અને આગામી સમયમાં ભારે હિમ વર્ષા પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ઠંડી વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. તાબોનું તાપમાન માઈનસ 5.3, કુકુમસેરીમાં માઈનસ 4.1 , કેલાંગમાં માઈનસ 3.6 અને કલ્પામાં 0.4 ડિગ્રી સે. નોંધાયું હતું.

દરમિયાન હવામાન વિભાગે દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં સોમવારે ભારે વરસાદની ચેતવણી આપી છે. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય થયું છે અને વરસાદનો દોર ચાલુ છે. શ્રીલંકાન દક્ષિણી ક્ષેત્ર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશરનું ચક્રવાતી પ્રસાર તથા બાંગ્લાદેશની આજુબાજુ બીજા ચક્રવાતની ભેજનો પ્રસાર વધ્યો છે. આથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


Tags :