For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ નથી અટક્યો, પણ પ્રયાસો જારી : ડીજીપી

ઘાટી સહીતના વિસ્તારોમાં હજુ પણ જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સક્રીય છે : દિલબાગસિંહ

કાશ્મીરમાં સુરક્ષામાં કોઇ જ ખામી નથી, અફવાઓ ફેલાવવાથી દુર રહો તેવી જનતાને અપીલ

Updated: Feb 25th, 2019

 શ્રીનગર, તા. ૨૫

 સરકાર એક તરફ દાવા કરી રહી છે કે આતંકવાદનો ખાતમો કરવામાં સફળ રહ્યા છીએ. જ્યારે બીજી તરફ કાશ્મીરના ડીજીપીએ જણાવ્યું છે કે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદમાં કોઇ જ ઘટાડો નથી થયો. કુલગામમાં ડીએસપી અમન ઠાકુર શહીદ થતા તેને શ્રદ્ધાંજલી પાઠવવા આવેલા ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ ઘટી રહ્યો હોવાના કોઇ જ સંકેતો કે પુુરાવા નથી. જોકે અમે આતંકવાદના ખાતમા માટે દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ.

કુલગામમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ છુપાયા હતા, જેની સામે કાર્યવાહીમાં પોલીસ, સૈન્ય અને સીઆરપીએફના જવાનો સામેલ થયા હતા. પોલીસની આગેવાની ડીએસપી ઠાકુર લઇ રહ્યા હતા. જોકે પોતાના એક સાથીને આતંકીઓના ગોળીબારથી બચાવી રહ્યા હતા તે સમયે ઠાકુરને ગોળી વાગી ગઇ હતી, જેમાં તેઓ શહીદ થયા હતા. તેમનો મૃતદેહ સોમવારે જમ્મુ લાવવામાં આવ્યો હતો. તેમને અંતીમ વીદાઇ આપતી વેળાએ ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજુ પણ જૈશ-એ-મોહમ્મદ સહીતના આતંકી સંગઠનો સક્રીય છે. પણ તેના ખાતમા માટે અમે દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષા કન્ટ્રોલમાં છે અને કોઇએ પણ અફરા તફરી જેવો માહોલ ઉભો કરવાથી દુર રહેવું જોઇએ. પોલીસ અને અન્ય સુરક્ષા જવાનો દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. ડીજીપીએ સાથે શહીદ અમન ઠાકુરની બહાદુરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ઠાકુરે બે આતંકીઓને ઠાર માર્યા હતા, જોકે આ દરમિયાન તેઓ પોતાના સાથી જવાનને બચાવવા ગયા ત્યારે ઘાયલ થયા હતા, બાદમાં તેઓ શહીદ થઇ ગયા હતા. એટલે કે ઠાકુરે ન માત્ર બે આતંકીઓને ઠાર માર્યા સાથે પોતાના સાથી જવાનને પણ બચાવતા બચાવતા શહીદ થઇ ગયા. અમે અમારા શહીદ જવાનોના પરિવારજનોની સાથે છીએ. તેમના આ બલીદાનને દેશ હંમેશા યાદ રાખશે.  

Gujarat