For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પંજાબમાં ચરણજીતસિંહે મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા : કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ યથાવત

મુખ્યમંત્રી બનતાંની સાથે જ ચરણજીતસિંહે પાણી અને વીજળીનું બિલ માફ કર્યું

મુખ્યમંત્રીએ કેન્દ્રને નવો કૃષિ કાયદો પાછો ખેંચવાની અપીલ કરીને કહ્યું : ખેડૂતોને ઊની આંચ આવશે તો મારું ગળું કાપીને આપી દઈશ

Updated: Sep 21st, 2021

Article Content Image

પંજાબના મુખ્યમંત્રી પદે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યના પ્રથમ દલિત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને પછી તેમણે ખેડૂતોનું પાણી અને વીજળીનું બિલ માફ કરી દીધું હતું. ચરણજીતે કહ્યું હતું કે ગરીબને મુખ્યમંત્રી બનાવવા બદલ કોંગ્રેસનો આભારી છું.
ચરણજીત સિંહે શપથ ગ્રહણ કર્યા તે પછી કેન્દ્ર સરકારને કૃષિ કાયદા પાછા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોન ઊની આંચ આવશે તો હું મારું ગળું કાપીને આપી દઈશ. ખેડૂતોને અન્યાય થવા નહીં દઉં. તેમણે કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો પણ આભાર માન્યો હતો. પંજાબના નવા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસે એક ગરીબને મુખ્યમંત્રી બનાવ્યો તે બદલ આભારી છું. મારી કોઈ હેસિયત ન હતી કે હું મુખ્યમંત્રી બની શકું.
ખેડૂતોના સંદર્ભમાં કૃષિ કાયદો પાછો ખેંચવાની અપીલ કરવાની સાથે ચરણજીતે ઉમેર્યું હતું કે ખેડૂતોનું દેશના વિકાસમાં ખૂબ મહત્વ છે. જો ખેડૂત ડૂબશે તો આખો દેશ ડૂબી જશે. ખેડૂતોનો સર્વાંગી વિકાસ આવશ્યક છે.
સુખવિંદર સિંહ રંધાવા અને ઓપી સોનીએ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. કોંગ્રેસે આ રીતે કેપ્ટન અને સિદ્ધુ બંને જૂથને સાચવવાના પ્રયાસો કર્યા હતા. એ રીતે દલિત, હિંદુ અને શીખ એમ ત્રણેયને મહત્વના પદ આપીને કોંગ્રેસે ચૂંટણી પહેલાં નવા જાતિવાદી સમીકરણો રચ્યા છે.
પંજાબમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલ્યા છે. છતાં પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં હજી તકરાર ચાલી રહી છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરિશ રાવતે એક નિવેદન આપ્યું તેનાથી વિવાદ શરૃ થયો હતો. રાવતે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં લડાશે. એ નિવેદન પછી કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવું પડયું હતું. પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રમુખ સુનિલ જાખડે  ટિવટર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી છે. તેઓએ લખ્યું હતું કે પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતના તે પ્રકારનાં વિધાનોથી તેમને આશ્ચર્ય થયું છે કે, આગામી વિધાનસભા ચૂંટણી નવજોત સિધ્ધુનાં નેતૃત્વમાં લડવામાં આવશે.'
હરીશ રાવતે બરોબર તે સમયે જ આ પ્રમાણે જણાવ્યું હતું કે જયારે ચરણજિતસિંહે પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા હતા. નિરીક્ષકોના મતે હરીશ રાવતનાં આ પ્રકારનાં વિધાનોથી નવા મુખ્યમંત્રી ચન્નીનો પ્રભાવ નબળો પડી શકે.
આ અંગે સુનિલ જાખડે ટિવટ ઉપર જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે ચરણજિતસિંહ ચન્ની શપથ લેવા જતા હતા ત્યારે જ હરીશ રાવતનું આ વિધાન આશ્ચર્યજનક છે. તેથી નવા મુખ્યમંત્રીના અધિકારો નબળા પડી શકે.'

Gujarat