For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહીદોના પરિવારજનોની પ્રેરણાદાયક વાતોથી સમગ્ર દેશને નવું બળ મળ્યું : વડાપ્રધાન મોદી

- વડાપ્રધાને ૫૩મી 'મન કી બાત' કહી

- પોતે ફરી સત્તા પર આવશે તેના સૂચન રૃપે હવેની 'મન કી બાત' મે માસના છેલ્લા રવિવારે કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

Updated: Feb 24th, 2019


પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇને શ્રધ્ધાંજલિ પાઠવી તેમણે બંધારણમાં સુધારા કરી સુપ્રીમને વધુ સત્તા અપાવી તેની પ્રશંસા કરી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૫૩મી વાર રેડિયો પર 'મન કી બાત' કરી હતી. તેમણે પુલવામાના શહીદોને નમન કરી વાતની શરૃઆત કરી હતી અને જણાવ્યું હતું કે શહીદોના પરિવારોની પ્રેરણાદાયક વાતોથી સમગ્ર દેશને બળ મળ્યું છે. તેમણે વધુ જણાવ્યું હતું કે હવે પછીની 'મન કી બાત' મે માસમાં થશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે હવે પછીના બે મહિના ચૂંટણીમાં વ્યસ્ત હશે. હવે માર્ચ, એપ્રિલ અને મે માસ પુરો થયા પછી મેના છેલ્લા રવિવારે  'મન કી બાત' થશે.

તેમણે શહીદોને નમન કરતાં જણાવ્યું હતું કે આ શહીદી આતંકવાદને ખતમ કરવામાં પ્રેરણારૃપ બનશે. આપણા સશસ્ત્ર દળો હંમેશા સાહસ અને પરાક્રમનો પરિચય આપે છે.

સૈનિકોની શહાદત પછી તેમના પરિવારમાંથી ઘણી પ્રેરણાદાયક વાતો મળી. બિહારના ભાગલપુરના શહીદ રતન ઠાકુરના પિતાએ દુ:ખની ઘડીમાં પણ જે હિંમત દર્શાવી  તે પ્રેરણાદાયક છે.

વડાપ્રધાને નેશનલ વોર મેમોરિયલનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે દેશના દરેક નાગરિકે તેની મુલાકાત લેવી જોઇએ તે પણ એક પવિત્ર તીર્થસ્થાન ગણાવું જોઇએ.

વડાપ્રધાને ૧૯૦૦માં બ્રિટીશરો દ્વારા પકડાયેલા બિરસા મુન્ડા, ઉદ્યોગપતિ જમશેદજી તાતા અને પૂર્વ વડાપ્રધાન મોરોરજી દેસાઇને પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. મોરારજી દેસાઇને તેમણે શિસ્તબધ્ધ નેતા ગણાવી ઉમેર્યું હતું કે તેમણે ૪૪ બંધારણીય ફેરફાર કરીને સુપ્રીમ કોર્ટને કેટલીક સત્તા અપાવી હતી.

પોતે સત્તા પર ફરી આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે મે માસમાં ફરી 'મન કી બાત' ચાલુ કરવાનું જણાવ્યું હતું.

'મન કી બાત' પુરી થઇ હવે 'જન કી બાત' આવશે : એહમદ પટેલ

નવી દિલ્હી, તા. ૨૪

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મન કી બાત મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું હતું કે હવે 'મન કી બાત' પુરી થઇ અને દેશમાં 'જન કી બાત' શરૃ થશે. ઉલ્લેખનીય છે કે આજની મનની બાતમાં વડાપ્રધાને હવે પછી ત્રણ મહિના મન કી બાત નહીં થાય તેમ જાહેર કર્યું હતું, પરંતુ મે માસમાં પણ મન કી બાતના પ્રસારણનો આધાર ચૂંટણીના પરિણામો પર છે. જો મોદી ફરીથી વડાપ્રધાન બને તો જ મન કી બાત ચાલુ રહેશે.

Gujarat