For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તર પ્રદેશમાં માયાવતી 38 અને અખિલેશ 37 લોકસભા બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે

- બેઠકોની વહેંચણી મુદ્દે સપાના સ્થાપક અને વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ નારાજ

Updated: Feb 21st, 2019


(પીટીઆઇ) લખનઉ, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી સપા-બસપા ભેગા મળીને લડવાના કરેલા નિર્ણય પછી આજે બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. બંને નેતાઓએ કરેલી ગોઠવણ મુજબ માયાવતીના બસપાને ભાગે ૩૮ અને અખિલેશ યાદવના સપાને ભાગે ૩૭ બેઠકો આવી હતી.

અગાઉ ભવ્ય જોડાણની જાહેરાત  વખતે તેમણે કહ્યું હતું કે  ૮૦ બેઠકો પૈકી બેંને પક્ષો સરખી બેઠકો પર ચૂંટણી લડશે. સપાના નેતા અખિલેશ અને બસપાના નેતા માયાવતી એ જારી કરેલા  એક નિવેદનમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરાઇ હતી.

જો કે સપાના સ્થાપક અને વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવે આ વ્યવસ્થા પર નારાજગી વ્યક્ત કરી હતી અને બસપા સાથે કરેલી સમજુતી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.તેમણે સવાલ કર્યો હતો કે શા માટે અખિલેશે માયાવતીને અર્ધી બેઠકો આપી હતી.

ઉલ્લેખનીય છે કે મુલાયમ સિંહ યાદવે સંસદમાં મોદી સરકારની  પ્રશંસા કરીને મોદીની વાપસીને કામના વ્યક્ત કરેલી. પક્ષના વડા મથકે સમર્થકોને સંબોધતાં સિંહે કહ્યું હતું કે જો કોઇ કાર્યકર્તાને ટિકિટ ફાળવણીમાં અન્યાય લાગે તો મારો સંપર્ક કરવો.  તેમણે કાર્યકર્તાઓને પ્રશ્ન કર્યો હતો કે 'મને કહો માયાવતીને અર્ધી બેઠકો આપવનો આધાર શું હતો? હવે આપણી પાસે અર્ધી જ બેઠકો રહી ગઇ છે.

આપણી પાર્ટી મજબૂત હતી અને છે.આપણે મજબૂત છીએ અને આપણો પક્ષ પણ મજબૂત છે એટલા માટે તો હું મુખ્ય મંત્રી બન્યો હતો'એમ તેમણે પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપની તૈયારી આપણા કરતાં વધુ સારી છે. સપાએ અત્યારે જ ઉમેદવારોના નામ જાહેર કરી દેવા જોઇએ કે જેથી તૈયારી શરૃ કરી શકાય.

Gujarat