For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરહદે વધુ એક આતંકી વિસ્ફોટ: મેજર શહીદ, એક જવાન ઘાયલ

- જમ્મુમાં સતત બીજા દિવસે હિંસક દેખાવો

- પુલવામા આતંકી હુમલા બાદ ચોમેરથી ફિટકાર છતાં પાક.ની અવળચંડાઇ યથાવત

Updated: Feb 16th, 2019

Article Content Image

જમ્મુમાં સૈન્યની વધુ નવ ટુકડી તૈનાત, બીજા દિવસે પણ શાળા-કોલેજો, માર્કેટ સંપૂર્ણપણે બંધ રહ્યા: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી માટે સરકાર પર દબાણ વધ્યું, સૈન્યને પણ એલર્ટ કરી દેવાયું 

નવી દિલ્હી, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ગોઝારા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ જમ્મુમાં આ હુમલાની નિંદા સાથે ભારે હિંસક દેખાવો થયા છે. લોકો રસ્તા પર ઉતરીને આતંકીઓના ખાતમા માટે દબાણ બનાવી રહ્યા છે.

પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ઠેરઠેર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કર્ફ્યુ લાદી દેવાયો છે. સતત બીજા દિવસે પણ પરિસ્થિતિ પર કાબુ નથી મેળવી શકાયો. શહેરમાં બીજા દિવસે સૈન્યની વધુ નવ ટુકડીને તૈનાત કરવામાં આવી હતી. જ્યારે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સૈન્ય દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. 

જમ્મુમાં ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જેસીસીઆઇ) દ્વારા પાકિસ્તાન વિરોધી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ૪૦ જવાનોની શહીદી બાદ હવે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા આતંકવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે અને બદલો લેવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ ઉગ્ર દેખાવો દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી અને ઠેરઠેર આગજનીની ઘટના પણ બની હતી. બીજી તરફ હિંસાની ઘટનાને ચેંબર ઓફ કોમર્સે વખોડી કાઢી હતી.

બીજી તરફ રાજોરીમાં એલઓસી પાસે આઇઇડી વિસ્ફોટ થયો હતો જેમાં એક સૈન્ય ઓફિસર શહીદ થયા છે. જ્યારે બીજો એક જવાન ગંભીર રીતે ઘવાયો છે.  આ જ વિસ્તારમાં અગાઉ ૧૧મી જાન્યુઆરીએ પણ સૈન્યના એક મેજર અને બે સૈન્ય જવાનો શહીદ થયા હતા. ત્યારે હવે એક જ મહિનામાં બીજો મોટો આઇઇડી વિસ્ફોટ આ વિસ્તારમાં થયો છે. જેને પગલે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સૈન્યના અધિકારી શનિવારે શહીદ થયા છે, જેને પગલે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ વિસ્તારમાં ઠેરઠેર દેખાવો પણ થઇ રહ્યા છે. જમ્મુમાં પરિસ્થિતિ તંગદીલ બની ગઇ છે, શાળા કોલેજો બીજા દિવસે પણ બંધ રહ્યા હતા, ઠેરઠેર આગજનીની ઘટના પણ સામે આવી છે. પાકિસ્તાન વિરોધી આ દેખાવો દરમિયાન ભડકેલી હિંસાને શાંત કરવા માટે સૈન્યની વધુ ટુકડીઓ ખડકવામાં આવી છે. 

Gujarat