વધુ ત્રણ શંકાસ્પદ ડૉક્ટરની ધરપકડ, એક ઈમામને પણ દબોચ્યો, ચીન કનેક્શન આવ્યું સામે

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ હરિયાણાનો નૂહ જિલ્લો તપાસ એજન્સીઓના રડાર હેઠળ આવી ગયો છે. છેલ્લા અઠવાડિયામાં પાંચ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ત્રણ MBBS ડોક્ટર, એક ખાતર વેપારી અને એક ઇમામનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો: ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ
બેનો અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ હતો
કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગુરુવારે મોડી રાત્રે ફિરોઝપુર ઝીરકા વિસ્તારમાંથી વધુ બે ડોક્ટરોને ઝડપી લીધા હતા. અટકાયત કરાયેલા લોકોની ઓળખ સુનહેરાના રહેવાસી ડૉ. મુસ્તકીમ અને અહમદબાસના રહેવાસી ડૉ. મોહમ્મદ તરીકે થઈ છે. બંને અલ-ફલાહ યુનિવર્સિટી (ફરીદાબાદ)માં અભ્યાસ કરી રહ્યા હતા.
ડૉ. મુસ્તકીમે ચીનમાંથી MBBS પૂર્ણ કર્યું હતું
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ડૉ. મુસ્તકીમે ચીનમાંથી MBBS પૂર્ણ કર્યું હતું અને 2 નવેમ્બરના રોજ અલ-ફલાહ યુનિવર્સિટીમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હતી. ડૉ. મોહમ્મદ, જેમણે તે જ યુનિવર્સિટીમાંથી MBBS પૂર્ણ કર્યું હતું, તે પણ ત્યાં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો. એવું કહેવાય છે કે બંને શંકાસ્પદ આતંકવાદી ઉમરને જાણતા હતા અને તેમના નજીકના સંબંધો હતા.
ડૉ. રીહાન એક ખાનગી હોસ્પિટલમાં કરતો હતો કામ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઉમરની કાર સીસીટીવીમાં કેદ થઈ હતી, જેનો એક વીડિયો વાયરલ થયો છે. આ અગાઉ, નુહમાં એક ડૉક્ટર અને ખાતર વિક્રેતાની અટકાયત કરવામાં આવી હતી. ખાતર વિક્રેતા પર એમોનિયમ નાઈટ્રેટ વેચવાનો શંકા છે. થોડા દિવસો પહેલા તાવાડુની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતા અને અલ-ફલાહમાં અભ્યાસ કરતા ડૉ. રીહાનની પણ નુહ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ ટીમે બે વાર સુનહેડા ગામની મુલાકાત લીધી
ડૉ. મુસ્તકીમના પરિવારે પુષ્ટિ આપી હતી કે તેમને ફરીદાબાદ સીઆઈએ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે દિલ્હી વિસ્ફોટો પછી તપાસ એજન્સીઓના બે અધિકારીઓએ સુનહેડા ગામની મુલાકાત લીધી હતી અને ઘણા કલાકો સુધી ડૉ. મુસ્તકીમની રૂબરૂ પૂછપરછ કરી હતી, પરંતુ તે સમયે તેમની અટકાયત કરવામાં આવી ન હતી. ત્યારબાદ, ગુરુવારે તપાસ ટીમ ગામમાં પાછી ફરી અને પૂછપરછ માટે મુસ્તકીમની અટકાયત કરી હતી. પરિવારનું કહેવું છે કે મુસ્તકીમ સારા વર્તનવાળો હતો અને તે કોઈપણ ખોટા કામમાં સામેલ થઈ શકતો ન હતો. આ ઉપરાંત પરિવારે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ વારંવાર તબીબી સલાહ માટે અલ-ફલાહ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડૉ. ઉમરનો ફોન પર સંપર્ક કરતા હતા.
તપાસ એજન્સીઓ હજુ પણ નુહ પર નજર
NIA, દિલ્હી પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ આ વિસ્તારમાં દરોડા પાડી રહી છે. શુક્રવારે તપાસ ટીમોએ જિલ્લાના અનેક સ્થળોની મુલાકાત લીધી અને લોકોની પૂછપરછ કરી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે.

