For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મની લોન્ડ્રિંગ કેસ : ખરાબ તબીયતના કારણે વાડ્રા ED સમક્ષ હાજર ન થયા

- ત્રણ દિવસમાં ED વાડ્રાની ૨૩ કલાક પૂછપરછ કરી : આજે હાજર થવાની શક્યતા

Updated: Feb 19th, 2019

Article Content Image

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીનો સામનો કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા તબીયત ખરાબ હોવાના કારણે આજે ED સમક્ષ હાજર રહી શક્યા નહતા, એમ એક અધિકારીએ કહ્યું હતું.

 તેમણે કહ્યું હતું કે વાડ્રાના વકીલે તપાસ કરનાર અધિકારીને કહ્યું હતું કે તેમના અસીલની તબીયત ખરાબ હોવાથી  વિદેશમાં મિલકતની ખરીદી માટે કથિત મની લોન્ડરિંગ કેસ માટે આજે તેઓ હાજર થઇ શકશે નહીં.

 એક વેપારી અને સોનિયા ગાંધીના જમાઇ એવા વાડ્રા બુધવારે અથવા તો બંને પક્ષોને સ્વીકાર્ય હોય એ તારીખે પૂછપરછ માટે હાજર રહેશે. વાડ્રાની ચાલુ મહિનાની શરૂઆતમાં ED દ્વારા ત્રણ દિવસમાં ૨૩ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કરાતી તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા વાડ્રાને દિલ્હીની ેએક કોર્ટે કહ્યું હતું. લંડનમાં ૧૨ બ્રાયન્સટન સ્કવેરમાં ૧૯ લાખ પાઉન્ડની એક મિલકતની ખરીદીના સબંધમાં મની લોન્ડરિંગ કર્યાનું EDએ આરોપ મૂક્યો હતો.

તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે વાડ્રાએ લંડનમાં નવી મિલકતો ખરીદી હોવાની તેમને માહિતી મળી હતી. નવી મિલકતોમાં પચાસ લાખ પાઉન્ડના અને ૪૦ લાખ પાઉન્ડના બે મકાનોનો સમાવેશ થાય છે.

ઉપરાંત છ અન્ય મિલકતો અને ફલેટનો સમાવેશ થતો હતો. જો કે વાડ્રાએ તમામ આરોપો નકારી કાઢ્યા હતા અને તમામ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના રાજકીય રોટલો શેકવા માટે મારો ઉપયોગ કરે છે.

Gujarat