For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી જવાનોનાં મોત પર રાજકારણ રમી ચૂંટણી પહેલાં યુધ્ધનો ભય ઊભો કરે છે : મમતા

- સંઘ અને વિહીપ સાથે મળી ભાજપે દેશને વિભાજિત કરવા ષડયંત્ર ઘડયું હોવાનો આક્ષેપ

Updated: Feb 26th, 2019

Article Content Image

(પીટીઆઇ) કોલકાતા, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર

પુલવામા હુમલા પછી જવાનોના મોત પર મોદી રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કરી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને આવા ભયંકર હુમલાની માહિતી મળી જ હતી છતાં તેમણે જવાનોની રક્ષા કરવા કંઇ જ કર્યું નહતું.

બેનર્જીએ દાવો કર્યો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર લોકસભાની ચૂંટણીઓમાં  રાજકીય લાભ મેળવવા દેશમાં યુધ્ધનો ભય ઊભો કરવા પ્રયાસ કરે છે.

મમતાના આક્ષેપોને નકારતા ભાજપે કહ્યું હતું કે  તેઓ રાજકીય બદલો લેવા પ્રયાસ કરે છે. તૃણમુલ કોંગ્રેસની કોર કમીટીની બેઠકને સબંોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં ભાજપે સંધ પરિવાર અને વિહિપ સાથે મળીને લોકોના માનસમાં ધૃણા અને કોમવાદનું ઝેર ભરી દેશને વિભાજીત કરવાના જ પ્રયાસો કર્યા હતા.તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં તાનાશાહ મોદીને હરાવવા એક થવા હાકલ કરેલી.

૧૯ જાન્યુઆરીએ તમામ વિરોધ પક્ષોને પોતાના જબરજસ્ત કાર્યક્રમમાં બોલાવનાર મમતાએ કહ્યું હતું કે આગામી સપ્તાહે દિલ્હીમાં યોજાનારી વિરોધ પક્ષોની બેઠકમાં તેઓ હાજરી આપશે.

મોદી પર પ્રહાર કરતાં મમતાએ કહ્યું હતું કે 'મોદી બાબુ પુલવામા હુમલા વખતે તમે શું કરતા હતા? તમને તો હુમલાની અગાઉથી માહિતી મળી ગઇ હતી.કેન્દ્ર સરકારને માહિતી મળી ગઇ હતી કે આવા હુમલો થવાનો છે, છતાં તમે કંઇ જ કર્યું નહતું'.

'તો પછી શા માટે કેન્દ્ર સરકારે કોઇ પગલાં ભર્યા નહતા? સરકારે આપણા જવાનોને મરવા દીધા કે જેથી ભાજપવાળા ચૂંટણીમાં આ મુદ્દો ચગાવીને લાભ લે. તેઓ શહિદોની લાશો પર રાજકારણ રમી લોકસભા ચૂંટણી પહેંલા ગંદી હરકતો કરે છે'એમ તેમણે કહ્યું હતું. મમતાએ પૂછ્યું હતું કે જે રસ્તે સૈનિકોનો કાફલો જવાનો હતો તે રસ્તાને શા માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો નહતો? શું તમે આનો લાભ લોકસભાની ચૂંટણીઓમાં લેવા માગો છો?

Gujarat