For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ન ખાઉંગા ન ખાને દુંગા એક જુમલો, મોદી રાજમાં ભરપુર ભ્રષ્ટાચાર છે : કિર્તી આઝાદ કોંગ્રેસમાં સામેલ

- ભાજપમાં હવે લોકશાહી જેવું કઇ રહ્યું ન હોવાથી મે રાજીનામુ આપ્યું : સાંસદ

- રફાલ એક મોટંુ કૌભાંડ, ભાજપના ભ્રષ્ટાચારના ૪૦૦ પેજના પુરાવા પોતાની પાસે હોવાનો દાવો

Updated: Feb 18th, 2019

Article Content Image

વાજપેયી અને વર્તમાન ભાજપમાં મોટુ અંતર, આરએસએસની વિચારધારામાં નથી માનતો 

કોંગ્રેસમાં સામેલ થવું ઘર વાપસી જેવું, ભાજપમાં હવે રહેવા જેવું રહ્યું નથી તેવો દાવો 

નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સાંસદ કિર્તી આઝાદે ભાજપ છોડી દીધુ છે અને કોંગ્રેસમાં સામેલ થયા છે. ઘણા સમયથી ભાજપની નીતીઓથી નારાજ કિર્તી આઝાદે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં સામેલ થવું એક રીતે મારી ઘર વાપસી છે. સાથે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે પક્ષમાં આંતરીક લોકશાહી છે જ નહીં જેને પગલે મારા માટે ભાજપમાં રહેવું મુશ્કેલ હતું. 

કિર્તી આઝાદને અગાઉ ભાજપે સસ્પેન્ડ કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આઝાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા અને બાદમાં કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. રાહુલ ગાંધીએ પણ આઝાદનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. 

૬૦ વર્ષીય પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે કોંગ્રેસમાં સામેલ થવા અંગેની જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકારની જૂમલાબાજી અને ભ્રષ્ટાચારથી મને બહુ જ દુ:ખ લાગ્યું, બાદમાં મને લાગ્યું કે મારા પિતાએ જે રાજનીતીની શરૃઆત કરી હતી ત્યાં મારે પણ જવું જોઇએ અને તેથી જ હું કોંગ્રેસમાં જોડાયો અને ઘર વાપસી કરી છે.

સાથે કિર્તી આઝાદે દાવો કર્યો હતો કે મારી પાસે ૪૦૦ પાનાના એવા ડોક્યુમેન્ટ્સ છે કે જેના પરથી હું એ પુરવાર કરી શકું તેમ છું કે ભાજપના શાસનમાં ખુબ ભ્રષ્ટાચાર થયો છે. મોદી પોતાના ભાષણમાં કહેતા હોય છે કે ન ખાઉંગા ન ખાને દુંગા, જે અંગે પણ આઝાદે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે મોદીનું આ સુત્ર પણ એક જુમલો જ સાબીત થયું છે કેમ કે ભ્રષ્ટાચાર વકરી ગયો છે. 

રફાલ સોદા અંગે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યો છે ત્યારે હવે કિર્તી આઝાદે કહ્યું હતું કે માત્ર કોંગ્રેસ જ નહીં ખુદ ભાજપના નેતાઓને પણ હવે તો રફાલ સોદા અંગે શંકાઓ છે. આ ડીલમાં કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

ખુદ સરકારે જ આ અંગે સુપ્રીમ કોર્ટમાં જુઠ બોલ્યાનું કબુલ કર્યું છે. મારી પાસે ભાજપના નેતાઓ આવ્યા હતા અને કહ્યું છે કે દરભંગામાંથી હું ફરી લોકસભાની ચૂંટણી જીતીશ તેવું પક્ષનો આંતરીક સવરે પણ કહી રહ્યો છે. મે ક્યારેય પણ આરએસએસની વિચારધારામાં વિશ્વાસ નથી મુક્યો.

હું હંમેશા એક્તામા માનું છું, સમાજને તોડવામાં નહીં. હું જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે હું અટલ બિહારી વાજપેયી અને અડવાણીથી ઘણો જ પ્રભાવીત થયો હતો. જોકે વર્તમાન ભાજપ અને વાજપેયીના ભાજપમાં મોટુ અંતર છે. હવે પક્ષમાં લોકશાહી જેવું કઇ જ નથી રહ્યું.

Gujarat