‘ભારત અને બાંગ્લાદેશમાં કોઈ અંતર નહીં’ મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન, ભાજપ ભડક્યું
Mehbooba Mufti Statement : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સ્થિતિની ભારતમાં લઘુમતીઓ સાથે સરખામણી કરી છે. જેને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. ભાજપના ઘણા નેતાઓએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડાં મહેબૂબા મુફ્તીના નિવેદનની નિંદા કરી છે અને જમ્મુ કાશ્મીર સરકારને તેમની સામે પગલાં લેવાની માંગ પણ કરી છે અને મહેબૂબા મુફ્તીની ટિપ્પણીને 'રાષ્ટ્ર વિરોધી' ગણાવી છે.
મહેબૂબાએ શું કહ્યું?
મહેબૂબા મુફ્તીએ રવિવારે કહ્યું કે, 'બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, જો ભારતમાં પણ લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તો ભારત અને બાંગ્લાદેશમાં શું ફરક છે? મને ભારત અને બાંગ્લાદેશમાં કોઈ ફરક દેખાતો નથી.'
બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, તેવામાં મહેબૂબા મુફ્તીનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જ્યારે સંભલ મસ્જિદ સર્વેને લઈને થયેલાં વિવાદ પર મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, 'સંભલની ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક લોકો દુકાનોમાં કામ કરી રહ્યાં હતા અને તેમને ગોળી મારવામાં આવી. અજમેર શરીફ દરગાહ ખાતે બધા ધર્મના લોકો પ્રાર્થના કરે છે. જે ભાઈચારના સૌથી મોટી મિસાલ છે, ત્યાં પણ મંદિર શોધવા માટે ખોદકામ કરવાની કોશિશ કરી રહ્યાં છે.'
આ પણ વાંચો: VIDEO: ‘રૂ.53 કરોડ આપો, EVM હેક કરી આપીશ', દાવો કરતાં યુવક સામે ચૂંટણી પંચે નોંધાવી FIR
મહેબૂબાએ દાવો કર્યો કે, 'દેશ 1947ની સ્થિતિમાં પાછો જઈ રહ્યો છે. જ્યારે યુવાનો નોકરીની વાત કરે છે તો એમને નોકરી નથી મળતી. આપણી પાસે સારા દવાખાન કે યોગ્ય શિક્ષણ નથી. તેઓ (સરકાર) રોડ રસ્તાની હાલત સુધારી શકતી નથી, પરંતુ મંદિર શોધવા માટે મસ્જિદ તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.'