વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ટ્રોલ્સના ત્રાસથી X એકાઉન્ટ લૉક કરી દીધું, થરૂર-ઓવૈસી કરી ટ્રોલર્સની ઝાટકણી
MEA Secretary Vikram Misri: વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ તેમનું X એકાઉન્ટ લૉક કરી દીધું છે. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર જાહેર થયા બાદ લોકોએ સોશિયલ મીડિયામાં મિસરીને ટાર્ગેટ બનાવીને એમના વિશે એલફેલ કમેન્ટ્સ કરવા માંડી હતી. ટ્રોલિંગ કરનારાએ તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા, સીઝફાયર માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમના પરિવારના લોકોને પણ ધમકી આપી હતી. આ બધાંથી કંટાળીને તેમણે તેમનું X એકાઉન્ટ લૉક કરી દેવું પડ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીએ મિસરીનો બચાવ કર્યો
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા X પર લખ્યું હતું કે, ‘વિક્રમ મિસરી એક પ્રતિષ્ઠિત, પ્રામાણિક અને મહેનતુ રાજદ્વારી છે, જેઓ આપણા રાષ્ટ્ર માટે અથાક મહેનત કરે છે. આપણા બ્યુરોકેટ્સ કારોબારી હેઠળ કામ કરે છે, તેથી કારોબારી કે રાજકીય નેતૃત્વ અને જે તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા લેવાતા નિર્ણયો માટે બ્યુરોક્રેટ્સને દોષી ઠેરવી શકાય નહીં.’
મિસરી પર કરાતા પ્રહાર હાસ્યાસ્પદઃ થરૂર
આ મુદ્દે કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ વિક્રમ મિસરીના પક્ષમાં નિવેદન આપ્યું હતું. એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં થરૂરે મિસરી સામેના ઓનલાઈન હુમલાને ‘હાસ્યાસ્પદ’ ગણાવીને મિસરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વિક્રમ મિસરીએ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. તેમણે સખત મહેનત કરી છે, કલાકો સુધી કામ કર્યું છે. તેઓ ભારતનો અસરકારક અવાજ છે. મને એ નથી સમજાતું કે કોઈએ પણ મિસરીને શા માટે ટ્રોલ કરવા જોઈએ?’
અખિલેશ યાદવે ટ્રોલર્સને ઝાટક્યા
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ટ્રોલર્સની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અસામાજિક, ગુનાઈત તત્ત્વોએ મિસરી અને તેમના પરિવાર સામે અપશબ્દો વાપરવાની બધી હદો ઓળંગી દીધી છે. આવા પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ નિવેદનો સમર્પિત અધિકારીઓને નિરાશ કરી શકે છે. યુદ્ધ જેવી બાબતોમાં નિર્ણયો લેવાની જવાબદારી સરકારની હોય છે, વ્યક્તિગત અધિકારીઓની નહીં.’
મિસરીની તરફેણમાં બોલતાં તેમણે ટ્રોલર્સ ઉપરાંત સરકારની પણ ટીકા કરતાં કહ્યું હતું કે, ‘ભાજપ સરકાર કે એના કોઈપણ મંત્રી મિસરીના સન્માનનું રક્ષણ કરવા માટે આગળ આવી નથી રહ્યા. આવી અનિચ્છનીય પોસ્ટ કરનારા સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કોઈ નથી કરી રહ્યું.’
વિક્રમ મિસરી સન્માનનીય કારકિર્દી ધરાવે છે
15 જુલાઈ, 2024 ના રોજ વિદેશ સચિવ તરીકેની ભૂમિકા સંભાળનાર વિક્રમ મિસરીની ખૂબ જ સારી રહી છે. ભારતીય વિદેશ સેવાના 1989 બેચના આ રાજદ્વારીએ વિદેશ મંત્રાલય, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય અને યુરોપ, આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકામાં વિવિધ ભારતીય મિશનમાં વિવિધ હોદ્દા પર સેવા આપી છે. તેઓ ભારતના ત્રણ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલ, ડૉ. મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે.