For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક. સૈન્યની હોસ્પિટલમાંથી મસૂદે ઓડિયો ક્લિપ જારી કરી પુલવામા હુમલાનો આદેશ આપ્યો હતો

- મસૂદ અઝહરે ભત્રીજાના મોતનો બદલો લેવા આતંકીઓને કહ્યું હતું

- કાશ્મીરમાં સૈન્ય એલર્ટ, હજુ પણ ૬૦થી વધુ આતંકી છુપાયા છે જેમાં ૩૫ પાકિસ્તાની

Updated: Feb 17th, 2019


મસૂદના ભત્રીજા આતંકી ઉસ્માનને ગયા વર્ષે સૈન્યએ ઠાર માર્યો હતો

નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ મસૂદ અજહર પાકિસ્તાનના રાવલપીંડી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં બેસીને આતંકીઓને કમાન્ડ આપતો હતો. મસૂદે એક ઓડિયો ક્લિપ જારી કરીને આતંકીઓને આ હુમલાનો આદેશ આપ્યો હતો.

 જેણે કાશ્મીરના પુલવામામાં ૪૪ જેટલા જવાનોનો ભોગ લીધો હતો. હાલ આતંકી મસુદ અઝહર પાકિસ્તાનમાં સૈન્યની જ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તે ચાર મહિનાથી બિમાર છે જેને પગલે યૂનાઇટેડ જેહાદ કાઉંસિલ (યૂજેસી)ની બેઠકમાં પણ ભાગ નહોતો લઇ શક્યો. આ સંગઠન ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવી રહ્યું છે. અને તેની રચના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. 

આઠ દિવસ પહેલા જ પુલવામા હુમલા માટે આતંકીઓ તૈયાર થઇ ગયો હતો તેવો રિપોર્ટ પણ સામે આવ્યો હતો. આ દરમિયાન એક ઓડિયો ક્લિપ જારી કરીને પુલવામા હુમલા માટે પોતાના આતંકીઓને આદેશ આપ્યો હતો.

આ ઓડિયો ક્લિપમાં મસૂદ પોતાના ભત્રીજાના મોતનો બદલો લેવાની વાત કરતો જણાય છે. નોંધનીય છે કે ૨૦૧૮માં મસુદ અઝહરના ભત્રીજા ઉસ્માનને સૈન્યએ ઠાર માર્યો હતો. જેનો બદલો લેવા માટે જ મસૂદે આ હુમલો કરાવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. હાલ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ૬૦ જેટલા આતંકીઓ છે. 

કાશ્મીરના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજુ પણ મસૂદ અઝહરના સંગઠન જૈશના ૬૦ જેટલા આતંકીઓ સક્રીય છે, જેમાંથી અબ્દુલ રાશિદ ગાઝી સાથે અન્ય મુખ્ય આતંકીઓ ઉમર, ઇસ્માઇલ પણ છુપાયા છે.

એક તરફ મસૂદ અઝહર આતંકી હુમલા કરી રહ્યો છે જ્યારે બીજી તરફ તેને પાકિસ્તાન ખુલ્લેઆમ શરણ આપી રહ્યું છે, એટલુ જ નહીં સૈન્યની પણ તેને મદદ મળી રહી છે. સરહદે પાકિસ્તાન સૈન્ય દ્વારા ગોળીબાર કરીને આતંકીઓને ઘુસાડવામાં આવી રહ્યા છે, પુલવામા હુમલા પાછળ પણ પાકિસ્તાનનો જ હાથ છે અને મસૂદને આઇએસઆઇની મદદ મળી રહી છે.

Gujarat