રાજસ્થાનમાં લમ્પી વાયરસનો આતંક: છેલ્લા 24 કલાકમાં 500થી વધુ ગાયોના મોતથી હાહાકાર


-વાયબ્રન્ટ ગુજરાતની ધરા પર લમ્પી વાયરસને કારણે 1639 ગાયના મોત, 15,000 કરતા સારવાર હેઠળ 

તા. 4 ઓગસ્ટ 2022,ગુરુવાર

ભારતમાં ગાયને માતાનો દરજ્જો અપાય છે, ત્યારે આજે એજ ગાય માતા દયનીય હાલતમાં છે. દિવસો વધતા આ લમ્પી વાયરસ અબોલ જીવ ગાયનો ભોગ લઇ રહ્યું છે. માણસ બીમાર પડે તો તે હોસ્પિટલ જઇને પોતાની સારવાર કરાવી શકે છે. ગુજરાતમાં લમ્પી વાયરસનો આતંક પ્રસરી રહ્યો છે તેવામાં ગુજરાતના જ પાડોશી રાજ્યમાં હવે લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.

24 કલાકમાં 500થી વધુ ગાયોના મોત 


રાજસ્થાનના બાડમેરમાં ઢોરોમાં ફેલાતો ચામડીનો રોગ સંપૂર્ણ રીતે જીવલેણ બની ગયો છે. એક રિપોર્ટ સ્થિતિ એ છે કે છેલ્લા 24 કલાકમાં સત્તાવાર આંકડામાં 500થી વધુ ગાયોના મોત થયા છે પરંતુ જમીની સ્તરે આ આંકડો ત્રણ ગણાથી પણ વધુ છે. 

રાજસ્થાનના શહેરો અને ગામડાંઓમાં હાલ એ સ્થિતિ છે કે ગાયને દાટવા માટે જમીનો ઓછી પડી રહી છે. લમ્પી સ્કિન ડિસીઝ એક ચેપી રોગ છે જે પશુઓમાં મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. બાડમેર જિલ્લા હેડકવાર્ટરથી બે કિલોમીટર દૂર એક ડમ્પિંગ યાર્ડ છે, જ્યાં અગાઉ પ્રાણીઓને દફનાવવામાં આવતા હતા. આ ડમ્પિંગ યાર્ડમાં સામાન્ય રીતે બે-ત્રણ મૃત ગાયો આવતી હતી પરંતુ છેલ્લા 15 દિવસથી દરરોજ 20-25 તો ક્યારેક 40થી 50 મૃત ગાયો લાવવામાં આવી રહી છે. આ આંકડો પણ ભયાવહ છે. આ ડમ્પિંગ યાર્ડમાં દફનાવવા માટે જગ્યા જ બચી નથી, જેથી કોન્ટ્રાક્ટરે ચારે તરફ સેંકડો મૃત ગાયોને જમીન પર રાખી દીધી છે.

ડમ્પિંગ સાઈટ પર જગ્યા ન મળતા ગાયોને જમીન પર જ મુકવાની ફરજ પડી રહી છે.આ સ્થિતિ હજી શહેરી વિસ્તારોની જ છે. ગામડાઓમાં મોતનો આંકડો અને મૃત ગાયો માટેની દફનાવવા માટે જમીનનીપણ અછત પડી રહી છે. 

દુર્ગંધથી ત્રસ્ત : 

રિપોર્ટમાં ડમ્પિંગ યાર્ડ નજીકમાં રહેતા લોકોએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી તેમના માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. મૃત ગાયોને દાટવાની જગ્યા ન મળતા અંતે ખુલ્લામાં રાખવી પડી રહી છે જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે અને જનજીવન મુશ્કેલ બની ગયું છે.

એક ગૌશાળાના સંચાલકે જણાવ્યું કે લગભગ 250 ગાયો આ રોગની ઝપેટમાં આવી હતી અને 150 ગાયોના મોત થયા છે. લગભગ 100 ગાયો હજુ આ વાયરસના ઈન્ફેક્શન સામે લડી રહી છે અને તેમની સારવાર ચાલી રહી છે.

16,000 ગાયો વાયરસની ચપેટમાં :


બાડમેર જિલ્લા કલેક્ટર લોકબંધુએ કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર રોગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાડમેર જિલ્લામાં 25થી વધુ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહી છે અને અસરગ્રસ્ત ગાયોની સારવાર કરી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 80,000 ગાયોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 16,000 ગાયો આ રોગથી પીડિત છે. છેલ્લા 24 કલાકમાં 500 જેટલી ગાયોના મોત થયા છે. બાડમેરમાં લગભગ 10 લાખ ગાયો છે અને અત્યાર સુધીમાં માત્ર 80,000 ગાયોનો સર્વે કરવામાં આવ્યો છે, જે લગભગ 8% છે.

સૌથી ખરાબ સ્થિતિ બાડમેર જિલ્લાના સરહદી ગામમાં છે, જ્યાં સરકારના તમામ દાવાઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. સરહદના અંતરિયાળ ગામડાઓમાં ન તો કોઈ સારવાર પહોંચી રહી છે કે ન તો સરકારી ટીમો પહોંચી રહી છે અને ગાયમાતા સારવારના અભાવે મોતને ભેટી રહી છે.


ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 11.68 લાખ પશુને રસી અપાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લમ્પી વાયરસનું સંક્રમણ 20 જિલ્લાના 2198 ગામો સુધી પહોંચ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતની ધરા પર કુલ 1639 ગાયો લમ્પી વાયરસને કારણે મૃત પામી છે અને હજુ પણ 15,000 કરતા વધુ ગાયો બિમાર છે અને સારવાર હેઠળ છે.

City News

Sports

RECENT NEWS