For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એરલાઇન્સની જેમ રેલવેમાં પણ પહેલી એપ્રિલથી લિન્ક્ડ પીએનઆરની સુવિધા શરૃ થશે

આ સુવિધામાં એક ટ્રેન મોડી પડવાને કારણે આગામી ટ્રેન જતી રહે તો તે ટ્રેનની ટિકિટના નાણાં પરત મળશે

મુસાફરે રિફન્ડ મેળવવા માટે પ્રથમ ટ્રેનના વાસ્તવિક આગમન સમયના ત્રણ કલાકની અંદર ટિકિટ સરેન્ડર કરવી પડશે

Updated: Feb 22nd, 2019


Article Content Imageએરલાઇન્સની જેમ રેલવે પણ મુસાફરી માટે લિન્ક્ડ પીએનઆર ઇશ્યુ કરશે. આ સુવિધાને કારણે મુસાફરો પોતાની આગામી યાત્રા કેન્સલેશન ફી ચૂકવ્યા વગર કેન્સલ કરાવી શકશે. 

એક એપ્રિલથી આ સુવિધાનો અમલ શરૃ કરવામાં આવશે. 

આ સુવિધાનો લાભ એવા લોકોને મળશે જેઓ પોતાની યાત્રાઓ અગાઉથી બુક કરાવી લેતા હોય છે અને ધુમ્મસ, દેખાવો સહિતના કારણોને લીધે તેમની ટ્રિપ કેન્સલ થાય છે. 

રેલવે બોર્ડે પોતાના આદેશમાં જણાવ્યું છે કે લિન્ક્ડ પીએનઆરના કેસમાં જો કોઇ મુસાફર ટ્રેન મોડી પડવાને કારણે પોતાની આગળની ટ્રેન ગુમાવે છે તો જે ટ્રેન જતી રહે છે તેની ટિકિટના નાણાં પરત ચૂકવવામાં આવશે. 

જો કે આ માટે મુસાફરે રિફન્ડ મેળવવા માટે પ્રથમ ટ્રેનના વાસ્તવિક આગમન સમયના ત્રણ કલાકની અંદર ટિકિટ સરેન્ડર કરવી પડશે.

આ સુવિધા ઇ ટિકિટ અને કાઉન્ટર ટિકિટ બંનેને લાગુ પડશે. આ માટે પીએનઆર અને જે સ્ટેશન પર જવાનું છે ત્યાં એક સરખું નામ હોવું જોઇએ. 

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ સુવિધા મુસાફરો માટે ખૂબ જ લાભદાયી પુરવાર થશે કારણકે ટ્રેન જતી રહેવાના કિસ્સામાં તેમને ટિકિટના નાણા ગુમાવવાનો ભય સતાવશે નહીં. 

ઉલ્લેખનીય છે કે હાલમાં એરલાઇન્સ આવી જ સુવિધા આપી રહી છે. એક ફલાઇટ મોડી પડવાને કારણે આગામી ફલાઇટ મિસ થાય તો તે ફલાઇટના નાણાં પરત ચુકવવામાં આવે છે.


Gujarat