ચૂંટણી કમિશનરોની નિમણૂક મુદ્દે 'લક્ષ્મણ રેખા' જળવાય : કેન્દ્ર


- ચૂંટણી કમિશનરની નિમણૂક મુદ્દે કેન્દ્ર-સુપ્રીમમાં ઘર્ષણ

- મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં : કેન્દ્ર

નવી દિલ્હી : ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયા પર સવાલ ઉઠાવવા અને તેમાં સુધારાની વાતો અંગે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે ઘર્ષણની સંભાવના જોવા મળી રહી છે.

 સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની વીજળીક ઝડપે નિમણૂક મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટને તેની 'લક્ષ્મણ રેખા' બતાવી દીધી છે.

ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશને સમાવતી એક પેનલ બનાવવા અંગે થયેલી અરજીની સુનાવણી ચાલી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચૂંટાયેલા નવા ચૂંટણી કમીશનર અરૂણ ગોયલની નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા છે. વધુમાં સુપ્રીમે મુખ્ય ન્યાયાધીશના સભ્યપદવાળી સમિતિને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે સૌથી સારી પદ્ધતિ હોવાનું સૂચન કર્યું હતું.  જોકે, કેન્દ્ર સરકારે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં ન્યાયતંત્રની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. તેણે આ કેસોમાં દખલ કરવી જોઈએ નહીં. સુપ્રીમના સૂચન અંગે કેન્દ્રે કહ્યું કે, નિમણૂક પ્રક્રિયામાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવો ન્યાયતંત્રની બીનજરૂરી દખલ સમાન છે. આમ થાય તો તે શક્તિઓના વિભાજનનો સ્પષ્ટ ભંગ થશે. પસંદગી પ્રક્રિયામાં મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવાથી પ્રક્રિયા પારદર્શી થશે તેવી માન્યતા ખોટી છે.

City News

Sports

RECENT NEWS