For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે કેજરીવાલ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર બેસશે

-દિલ્હી સિવાય સમગ્ર દેશમાં લોકશાહી: કેજરીવાલ

-આઝાદી પછી પણ દિલ્હી સરકારના હાથમાં કોઈ પાવર નથી

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી, તા.23 ફેબ્રૂઆરી 2019,શનિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી પોતે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર બેસશે તેવી જાહેરાત કરી છે. કેજરીવાલે પોતે પહેલી માર્ચથી ભૂખ હડતાલ પર બેસશે તેવી જાહેરાત કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા પોતે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર બેસશે તેવી જાહેરાત કરી છે. કેજરીવાલે શનિવારે જણાવ્યું કે આગામી પહેલી માર્ચથી તેઓ એક નવા આંદોલનની શરૂઆત કરશે.

વિધાનસભામાં પોતાના આગામી આંદોલનની જાહેરાત કરતા કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી હું ભૂખ હડતાલ ચાલુ રાખીશ અને હું મૃત્યુનો સામનો કરીને પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે કટિબદ્ધ છું. છેલ્લા ૭૦ વર્ષથી દિલ્હી સાથે અન્યાય થઈ રહ્યો છે માટે આ સંજોગોમાં હવે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી છે. 

કેજરીવાલે જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકશાહી છે પરંતુ દિલ્હીમાં લોકશાહી નથી. લોકો મત આપીને સરકાર ચૂંટે છે પરંતુ દિલ્હી સરકાર પાસે પોતાનો કોઈ જ પાવર નથી. આ કારણે અમે પહેલી માર્ચથી આંદોલન શરૂ કરી રહ્યા છીએ અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે હું અનિશ્ચિતકાળની ભૂખ હડતાલ પર બેસીશ.

દિલ્હી વિધાનસભાના બજેટ સેશન દરમિયાન કેન્દ્ર સરકાર પર નિશાન તાકીને કેજરીવાલે કહ્યું કે હાથમાં સત્તા ન હોવાના કારણે દિલ્હી સરકાર અનેક પ્રજાલક્ષી અને વિકાસના કામ નથી કરી શકતી. પોલીસ, મ્યુનિસીપલ કોર્પોરેશન અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી કેન્દ્ર પાસે હોવાના કારણે રાજધાનીના લોકો હાઈ ક્રાઈમ રેટનો સામનો કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કેજરીવાલે દિલ્હી ઉપરાંત પોંડિચેરીને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી. કેજરીવાલે પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીની ઉપરાજ્યપાલ અને ચૂંટાયેલી સરકાર વિકાસના કાર્યોમાં અવરોધરૂપ છે તેવી ફરિયાદને સમર્થન આપીને દિલ્હી અને પોંડિચેરી આ બંને કેન્દ્રશાસીત રાજ્યના લોકો સાથે ભેદભાવ ન થવો જોઈએ તેવી માંગ કરી હતી.

Gujarat