For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જમ્મુમાં તંગદિલી વચ્ચે કાશ્મીરીઓનું ઘાટી તરફ પલાયન

- પુલવામા હુમલા બાદ જમ્મુમાં કથિત રુપે દેશવિરોધી નારાબાજી

- જમ્મુમાં ટોળાએ સ્થાનીય કાશ્મીરી લોકોના વાહનો અને દુકાનો સળગાવ્યા

Updated: Feb 21st, 2019

Article Content Image

જમ્મુ, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ જમ્મુમાં તણાવગ્રસ્ત માહોલ છે. જમ્મુમાં હિંસા ભડક્યા બાદ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ બઠિંડી તથા શહેરના અન્ય વિસ્તારોમાં વસતા હજારો કાશ્મીરી લોકોને રાતોરાત કાશ્મીર મોકલી દેવામાં આવ્યા છે. 

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુની સાયન્સ કોલેજ સહિત અનેક સ્થળે કથિતરુપે દેશવિરોધી નારાબાજી થઈ હતી. દેશવિરોધી નારાબાજીના કારણે જમ્મુના વાતાવરણમાં તણાવ પ્રસર્યો હતો. લોકોએ ટોળે વળીને સ્થાનીય કાશ્મીરી લોકોના દુકાનો અને વાહનો સળગાવી દીધાની ઘટનાઓ પણ સામે આવી હતી. આ કારણે વહીવટી તંત્ર દ્વારા જમ્મુમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરી લોકો ઠંડી અને હિમવર્ષાથી બચવા માટે આ સમય દરમિયાન જમ્મુ આવીને વસે છે.

ઠંડીની મોસમમાં કાશ્મીરની શાળા અને કોલેજીસમાં રજાઓ હોય છે અને ઠંડીથી બચવા કાશ્મીરીઓ પોતાના પરિવાર સાથે જમ્મુ આવીને વસે છે. પરંતુ જમ્મુમાં વાતાવરણ તંગ બનવાના કારણે બઠિંડી તથા શહેરના અન્ય વિસ્તારોમાં વસતા કાશ્મીરીઓને પોલીસની સઘન સુરક્ષા વચ્ચે અનેક વાહનોમાં ભરીને રાતોરાત કાશ્મીર ઘાટીમાં મોકલી દેવામાં આવ્યા છે. 

કાશ્મીરનું વાતાવરણ તંગ હોવાના કારણે છેલ્લા પાંચ દિવસથી ત્યાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને સવાર તથા સાંજના સમયે કરફ્યુમાં ઢીલ મુકવામાં આવે છે.

સેના પર હુમલો થયા બાદ લોકોમાં ભરપૂર આક્રોશ જોવા મળી રહ્યો છે અને દેશના અનેક વિસ્તારોમાં કાશ્મીરીઓ પર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ કારણે કેન્દ્ર સરકારે ગાઈડ લાઈન જાહેર કરીને તમામ રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશોને કાશ્મીરી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે.

Gujarat