For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'કાશ્મીર ભાગલાવાદી'ઓને સરકારી ખર્ચે અપાતી સુરક્ષા બંધ કરાઇ

- પાકિસ્તાનની વસ્તુઓ પર આયાત ડયૂટી ૨૦૦ ટકા કર્યા બાદ વધુ એક પગલું

- પુલવામા હુમલાના વિરોધમાં રવિવારે પણ સ્થિતિ તંગ, સામાન્ય જનજીવન ઠપ

Updated: Feb 17th, 2019

Article Content Image

સુરક્ષા હટાવાઇ તેમાં મિરવાઇઝ ઉમર, અબ્દુલ ગની, બિલાલ લોન, હાશ્મીન કુરેશી, ફઝલ હક અને શબીર શાહ સામેલ

કોઇ જોગવાઇ ન હોવા છતાં સરકારે સામે ચાલીને આ ભડકાઉ ભાષણો આપતા અલગાવવાદીઓને સુરક્ષા આપી હતી 

નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

કાશ્મીરમાં યુવાઓને ભડકાવી આતંકવાદી વાતાવરણ ફેલાવવામાં પાકિસ્તાનને મદદ કરનારા કાશ્મીરી અલગાવવાદીઓને સરકારે જે સુરક્ષા આપી હતી તેને પાછી ખેંચી લેવામાં આવી છે.

કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા થયેલા હુમલામાં ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા,  જે બાદ સરકારે આ પગલુ ભર્યું છે અને તાત્કાલીક ધોરણે ભડકાઉ ભાષણો આપી પાકિસ્તાનને મદદ કરનારા અલગાવવાદીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. જે અલગાવવાદીઓની સુરક્ષા હટાવવામાં આવી છે તેમાં મિર્વાઇઝ ઉમર ફારુક, અબ્દુલ ગની ભટ, બિલાલ લોન, હાશ્મીન કુરેશી, ફઝલ હક કુરેશી અને શબીર શાહનો સમાવેશ થાય છે. 

આ અલગાવવાદીઓને સુરક્ષાની કોઇ જ જોગવાઇ નથી, જોકે સરકારે તેને એડ હોક તરીકે આ સુરક્ષા પુરી પાડી હતી. કેટલાક આતંકી સંગઠનોનો ખતરો હોવાનું ધ્યાનમાં રાખીને સરકારે આ સુરક્ષા આપી હતી. જેને હવે પાછી ખેંચી લેવામાં આવી છે.

હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ આ પહેલા કાશ્મીરમાં અલગાવવાદી નેતા ઉમરના પિતા મિર્વાઇઝ ફારુકની ૧૯૯૦માં હત્યા કરી હતી. જ્યારે અબ્દુલ ગનીની ૨૦૦૨ના વર્ષમાં એ જ રીતે હત્યા કરી દેવાઇ હતી. જોકે પાકિસ્તાનના કટ્ટર સમર્થક સૈયલ અલી શાહ ગીલાની અને જેકેએલએફના ચીફ યાસીન મલિકને કોઇ પણ પ્રકારની સુરક્ષા પુરી નહોંતી પાડવામાં આવી. 

આ અલગાવવાદીઓ કાશ્મીર બંધના નામે અનેક વખત યુવાઓને ભડકાવી ચુક્યા છે, આતંકીઓને શહીદ કહીને અન્ય યુવાઓને પણ આતંકી બનાવી રહ્યા છે. પાકિસ્તાન પાસેથી ફંડ લઇને પોતાના રાજકીય રોટલા શેકતા આ અલગાવવાદીઓ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે માત્ર સુરક્ષા જ નહીં તેમને આપવામાં આવેલા વાહનોને પણ સરકારે પાછા ખેંચી લીધા છે.

બીજી તરફ પુલવામામાં જવાનો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં હજુ પણ કાશ્મીરમાં ઠેરઠેર દેખાવો થઇ રહ્યા છે. જેની અસર જનજીવન પર પડી હતી. સૌથી વધુ જમ્મુમાં હિંસા ભડકી હતી, જેથી અહી રવિવારે પણ કર્ફ્યુ યથાવત રહ્યો હતો. બંધની અસર જનજીવન પર પડી હતી. 

Gujarat