For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાલે કાશ્મીરના આર્ટિકલ 35-Aની સુનાવણી : અલગાવવાદીઓ સહીત 150ની ધરપકડ

-કાશ્મીરમાં કિલ્લેબંધી, વધુ 10 હજારથી વધુ જવાનો તૈનાત

-ધરપકડ કરાયેલામાં જમાત-એ-ઇસ્લામી ચીફ અબ્દુલ હામિદ ફયાઝ, હુર્રિયત કોન્ફરન્સના યાસીન મલિકનો પણ સમાવેશ

Updated: Feb 23rd, 2019

શ્રીનગર/નવી દિલ્હી, તા.23 ફેબ્રુઆરી 2019,શનિવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૦થી વધુ જવાનો શબીદ થયા છે. આ ઘટના બાદ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સૈન્ય દ્વારા આક્રામક ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. દરમિયાન અલગાવવાદીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થઇ રહી છે ત્યારે સરકારે અલગાવવાદીઓ સહીત ૧૫૦ની કાશ્મીરમાંથી ધરપકડ કરી છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૫-એની સુનાવણી પણ સોમવારે યોજાશે, આ આર્ટિકલને દુર કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં થઇ છે, જો સુપ્રીમ કોર્ટ આર્ટિકલને દુર કરવાનો આદેશ આપે તો આ અલગાવવાદીઓ કાશ્મીરમાં ભારે હિંસા ફેલાવી શકે છે. જેેને અટકાવવા માટે જ સરકારે અગાઉથી જ સાવચેતીના પગલા લીધા છે. 

કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે તેમ છતા શ્રીનગર સહીતના મોટા શહેરોમાં લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુરક્ષાકર્મીઓ સાથે નાની મોટી હિંસાની ઘટના પણ સામે આવી છે. શ્રીનગરમાં સ્થિતિ વધુ તંગદીલ બની રહી હોવાને પગલે સરકારે અહીંની સરકારી મેડિકલ કોલેજના સ્ટાફના વેકેશનને પણ રદ કરી દીધુ છે અને દરેકને સોમવારથી કામ પર પરત આવી જવાના આદેશ જારી કર્યા છે.

રાજ્યના નાગરીક અને અન્ન પુરવઠા વિભાગે રાજ્યના દરેક રાશન શોપ અને માલિકોને આદેશ આપ્યો છે કે રવિવારે પણ તેઓ નાગરીકોને અનાજ સહીતની વસ્તુઓનું વિતરણ જારી રાખે. 

સોમવારના સુપ્રીમના ચુકાદાને ધ્યાનમાં રાખીને હિંસા ભડકે નહીં તેને પગલે અર્ધ સૈન્ય દળના ૧૦ હજાર જવાનોને ઘડકી દેવામાં આવ્યા છે. જ્યારે અગાઉથી મોટા પાયે જવાનો તૈનાત છે, તેથી કાશ્મીરમાં હવે આક્રામક સુરક્ષા છે. કાશ્મીરમાં જે ૧૫૦ની અટકાયત કરવામાં આવી તે બાદ શ્રીનગરમાં સ્થિતિ વધુ કથળી હતી, જેને પગલે મોટા ભાગના માર્કેટ કલાકો સુધી બંધ રહ્યા હતા, જોકે બાદમાં ખોલવામાં આવ્યા હતા.

બીજી તરફ અલગાવવાદીઓની વિરુદ્ધ આક્રામક કાર્યવાહી જારી છે. અગાઉ તેમની સુરક્ષા હટાવાઇ હતી ત્યારે હવે સમાત એ ઇસ્લામી ચીફ અબ્દુલ હામીદ અને હુરિયત કોન્ફરન્સના યાસીન મલિક સહીતના ૧૫૦થી વધુની અટકાયત કરી લેવામાં આવી છે.

આર્ટિકલ 35 એનો વિવાદ શું છે

કાશ્મીરમાં આર્ટિકલ ૩૫એને કારણે ભારે વિવાદ થયો છે. આ આર્ટિકલને લાગુ કરવા માટે સરકારે કલમ ૩૭૦નો ઉપયોગ કર્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેંદ્ર પ્રસાદે ૧૪ મે, ૧૯૫૪માં આ આર્ટિકલને લાગુ કર્યો હતો. જે બાદ તેને બંધારણમાં જોડી દેવામાં આવ્યું. આર્ટિકલ ૩૫એ કલમ ૩૭૦નો જ એક ભાગ છે. આ આર્ટિકલ અનુસાર કાશ્મીરમાં કોઇ બિનકાશ્મીરી નાગરીક જમીનની ખરીદી નથી કરી શકતો.

એટલુ જ નહીં તે કાશ્મીરનો નાગરીક પણ નથી બની શકતો. ૧૪ મે ૧૯૫૪ની સ્થિતિ પ્રમાણે જે વ્યક્તિ કાશ્મીરનો નાગરીક હશે તેને જ આ રાજ્યની નાગરીક્તા પ્રાપ્ત થઇ હતી. એટલુ જ નહીં જો કોઇ કાશ્મીરી યુવતી અન્ય કોઇ બિનકાશ્મીરી યુક સાથે લગ્ન કરે તો પણ તેના આ અધિકારો તેની પાસેથી જતા રહે છે. આ આર્ટિકલને હટાવવાની માગ થઇ રહી છે કેમ કે તેને સંસદમાં પસાર કર્યા વગર જ લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે કાશ્મીરીઓની માગ છે કે આ આર્ટિકલ દુર ન કરાય.

Gujarat