જસ્ટિસ વર્માને પદથી હટાવવા મામલે સરકારનો કોઈ રોલ નહીં, આ સાંસદોનો અંગત વિષય: કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા
Justice Yashwant Varma Case : કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે શુક્રવારે (18 જુલાઈ) કહ્યું છે કે, ‘દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવો તે સાંસદોનો વિષય છે, તેમાં સરકાર ક્યાંય સામેલ નથી. મેઘવાલે પીટીઆઈને કહ્યું કે, ‘ભારતના પૂર્વ સીજેઆઈ સંજીય ખન્ના દ્વારા બનાવાયેલી સમિતિને વર્મા વિરુદ્ધના આરોપોનો રિપોર્ટ સોંપી દેવાયો છે. જો વર્મા રિપોર્ટથી સંમત નથી, જો તેઓ સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટ અરજી કરે છે, તો તેમનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના કોઈપણ ન્યાયાધીશને હટાવવાનો અધિકાર સંસદનો નથી. કોઈપણ ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પાસ કરાવવા માટે લોકસભાના ઓછામાં ઓછા 100 અને રાજ્યસભાના 50 સભ્યોનું સમર્થન મેળવવું જરૂરી છે. આ સંપૂર્ણ સાંસદોનો વિષય છે, તેમાં સરકાર ક્યાં સામેલ નથી.’
વર્માએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશ વર્માએ તપાસ સમિતિનો રિપોર્ટ અમાન્ય જાહેર કરવાની વિનંતી કરવા માટે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સમિતિએ ઘરમાંથી રોકડ મળવાની ઘટનામાં વર્માને ગેરવર્તણૂકના દોષિત ઠેરવ્યા છે. વર્માએ 8 મેએ તત્કાલીન સીજેઆઈ ખન્ના દ્વારા તેમને પદ પરથી દૂર કરવાની ભલામણ રદ કરવાની માંગ કરી છે. આગામી ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે, ત્યારે સત્રમાં વર્મા સામે મહાભિયોગનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ શકે છે.
સમિતિના રિપોર્ટમું શું કહેવાયું છે?
સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, '14 માર્ચની રાત્રે દિલ્હીમાં જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં લાગેલી આગની ઘટના દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આ આગમાં દારૂની બોટલમાંથી નીકળતા જ્વલનશીલ વાયુના કારણે સ્ટોરરૂમમાં મોટી માત્રામાં રાખેલી રોકડ બળી ગઈ હતી. 'સ્ટોર રૂમમાં દારૂનો કબાટ ઇલેક્ટ્રિક સ્વીચ બોક્સની ખૂબ જ નજીક હતો. સમિતિ દ્વારા કરવામાં આવેલા સ્થળ નિરીક્ષણમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. દારૂ ખૂબ જ જ્વલનશીલ છે અને જ્યારે આગ લાગી ત્યારે બોટલો ગરમીને કારણે ફાટી ગઈ હશે. તેનાથી આગની તીવ્રતા વધી ગઈ.'
14 માર્ચે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગ લાગી હતી
14 માર્ચે દિલ્હીના લુટિયન્સ સ્થિત જસ્ટિસ વર્માના નિવાસસ્થાને રાત્રે લગભગ 11:35 વાગ્યે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. આ દરમિયાન 500 રૂપિયાની બળી ગયેલી નોટોના બંડલ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી મામલો વધુ વકર્યો હતો. આ પછી, ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. આમાં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય દ્વારા પ્રાથમિક તપાસ અને દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ વર્મા પાસેથી ન્યાયિક કાર્ય છીનવી લેવા અને બાદમાં ન્યાયિક કાર્ય વિના તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.