અમદાવાદમાં રાજસ્થાનની મહિલાનું કોંગો ફીવરથી મોત, સરકારે આપ્યા તાત્કાલિક આદેશ
Image : Envato |
Jodhpur Women Died in Ahmedabad Because Congo Fever | રાજસ્થાનના જોધપુરમાં રહેતી 51 વર્ષીય મહિલાનું કોંગો ફીવર(Congo Fever)થી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના નિવારણ અને તેનાથી બચાવ માટે રાજ્યભરમાં દિશા-નિર્દેશો જાહેર કરી દીધા હતા.
કોંગો તાવ કેવી રીતે ફેલાય છે?
કોંગો તાવ એક જીવલેણ રોગ છે, જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. વહીવટીતંત્રએ અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેથી રોગને ફેલાતો અટકાવી શકાય.
રાજસ્થાનની મહિલાનું અમદાવાદમાં મૃત્યુ
માહિતી મુજબ રાજસ્થાનના જોધપુરની રહેવાસી 51 વર્ષીય મહિલા અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સારવાર કરાવવા આવી હતી. આ મહિલા કોંગો ફીવરથી પીડિત હતી. પૂણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. બુધવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પબ્લિક હેલ્થ ડૉક્ટર શું બોલ્યાં?
પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. રવિ પ્રકાશ માથુરે કહ્યું કે જોધપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરને અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ મોકલીને નિવારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે શંકાસ્પદ અને લક્ષણોવાળા દર્દીઓને ઓળખીને તેમને આઈસોલેશનમાં રાખવા નિર્દેશ અપાયા છે.
કોંગો તાવ શું છે?
કોંગો તાવનું આખું નામ રિમિયન કોંગો હેમરેજિક ફીવર (CCFF) છે. આ તાવ જે મનુષ્યો માટે જીવલેણ છે, તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. કોંગો તાવ એ ઝૂનોટિક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે ટિક બાઈટ એટલે કે જીવજંતુઓના કરડવાથી ફેલાય છે. આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના પશુપાલન વિભાગને જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે જેથી કરીને પશુઓ દ્વારા આ રોગ ફેલાવાની શક્યતાને અટકાવી શકાય.
કયા લક્ષણ દેખાય તો એલર્ટ થઇ જવું?
આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે. સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે. મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.