For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરની તપાસનું પાક.નું નાટક

- ભારત અને અમેરિકાના દબાણ બાદ આતંકીઓ સામે કાર્યવાહીનો પાક.નો દેખાડો

- અગાઉ કહ્યું કે બહાવલપુરમાં જૈશના હેડક્વાર્ટર છે બાદમાં ફેરવી તોડયું, આતંકી સંગઠનને ક્લિનચિટ આપી દીધી

Updated: Feb 24th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહીનું નાટક કરી રહ્યું છે. અગાઉ એવા અહેવાલો હતા કે પાકિસ્તાને પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદ સામે કાર્યવાહી કરવાનું શરૃ કરી દીધુ છે અને તેના કેટલાક સ્થળોએ તપાસ ચલાવવામાં આવી રહી છે.

બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર આવેલા છે જેની તપાસ માટે બે અધિકારીઓની નિમણુંક પણ પાકિસ્તાને કરી હતી. જોકે બાદમાં અચાનક આ મામલે યુટર્ન લઇ લીધો હતો અને દાવો કર્યો હતો કે બહાવલપુરમાં જૈશના કોઇ હેડક્વાર્ટર નથી આવેલા. 

જૈશ-એ-મોહમ્મદ ખુલ્લેઆમ આતંકવાદ ફેલાવી રહ્યું છે અને તેનો વડો મસૂદ અઝહર પણ પાકિસ્તાનમાં ફરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મસૂદને આતંકી જાહેર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે જ્યારે બીજી તરફ પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીનુ માત્ર નાટક કરી રહ્યું છે. આ પહેલા એક વીડિયો જારી કરીને પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે બિલાવલપુરમાં આવેલી બે સંસ્થાઓના મકાનો પર સરકારે કબજો કરી લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલુ લેવામાં આવ્યુ છે. 

જોકે બીજા જ દિવસે અચાનક પલટી મારી હતી અને કહ્યું હતું કે આ બન્ને સ્થળો કે જ્યાં તપાસ કરવામાં આવી હતી ત્યાં કોઇ જ આતંકવાદી પ્રવૃત્તિ નથી થઇ રહી. પહેલી વખત એવુ બન્યું હતું કે પાકિસ્તાને એ સ્વીકાર કર્યો હતો કે પોતાની ધરતી પર આતંકી કેમ્પો છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. 

જોકે બાદમાં અચાનક આ મામલે પલટી મારી હતી અને યુટર્ન લેતા કહ્યું હતું કે અમારી તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને સ્થળો જૈશના હેડક્વાટકર નથી. જોકે જૈશ વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ તેવો દાવો પણ કર્યો હતો.

Gujarat