LOC નજીક ઊડતા પાકિસ્તાની ક્વોડકોપ્ટરને તોડી પડાયું, ભારતીય લશ્કરે તરત પગલું લઇને ધરાશાયી કરી નાખ્યું
- કેરન વિસ્તારમાં પડ્યું SSGનું આ ડ્રોન
નવી દિલ્હી તા. 24 ઓક્ટોબર 2020 શનિવાર
ભારતીય લશ્કરે જમ્મુ કશ્મીર સરહદી વિસ્તારમાં દેખાયેલું એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. અગાઉ કેટલીક વાર પાકિસ્તાની ડ્રેાને જમ્મુ કશ્મીર અને પંજાબના સરહદી વિસ્તારોમાં હથિયારો ફેંક્યાં હતાં. એટલે આ વખતે ભારતીય લશ્કર સાબદું હતું.
જેવું પાકિસ્તાની ડ્રોન LOC નજીક દેખાયું કે તરત ભારતીય લશ્કરે ત્વરિત પગલું લીધું હતું અને આ ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોન LOC પર ભારતીય સરહદમાં 70 મીટર અંદરના વિસ્તારમાં કેરન પાસે તૂટી પડ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાની લશ્કરના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ ( એસએસજી)નું હતું.
જમ્મુ કશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો પૂરાં પાડવા છેલ્લા થોડા મહિનાથી પાકિસ્તાન આવાં ડ્રોન મોકલતું રહ્યું હતું. આવાં ડ્રોન આતંકવાદીઓ છૂપાયાં હોય એેવા વિસ્તારોમાં હથિયારો અને વિસ્ફોટક પદાર્થો મોકલતું હોવાનું ભારતીય લશ્કરના ધ્યાનમાં આવ્યું હતું.
પાકિસ્તાન અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ દ્વારા આતંકવાદીઓને સહાય કરતું રહ્યું હતું. ડ્રોન્સ, ક્વોડકોપ્ટર અને હેક્સાકોપ્ટર દ્વારા આવાં ષડ્યંત્રો પાકિસ્તાન કરતું રહ્યું હતું. આ વખતે ભારતીય લશ્કરે એના ડ્રોનને તોડી પાડ્યું હતું.