For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘરના છોકરા ઘંટી ચાટે અને..... ભારતે શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું

Updated: May 24th, 2022

Article Content Image

નવી દિલ્હી,તા. 24 મે 2022, સોમવાર

ઈતિહાસની સૌથી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકા માટે ભારતે ફરી મદદનો હાથ લંબાવ્યો છે. શ્રીલંકાને જરૂરી ખાદ્યવસ્તુઓ બાદ ગત સપ્તાહે ઘઉં અને હવે પેટ્રોલ-ડીઝલની લ્હાણી ભારત સરકારે કરી છે.

ભારતમાં મોંઘવારી ચરમસીમાએ છે. નરેન્દ્ર મોદીના નેજા હેઠળની બીજેપીની સરકારની રચના બાદના સર્વોચ્ચ સ્તરે પહોંચેલ મોંઘવારી દરને કાબૂમાં કરવા 22મી મેના રોજ સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી પરંતુ તેનાથી મોંઘવારીનો દર માત્ર 0.25% જ નીચે આવવાની સંભાવના છે. જોકે દ્દેશની આ કપરી પરિસ્થિતિમાં પણ આપણે પાડોશી દેશ લંકાને એક બાદ એક મદદ કરી રહ્યાં છે.

ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના નાદારીના દ્રારે પહોંચેલ દેશ શ્રીલંકાને ખરાબ સમયમાં મદદ કરી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે ભારતે શ્રીલંકાને પેટ્રોલ મોકલીને મદદ કરી હોય. આ પહેલા ભારતે શ્રીલંકાને બે વખત પેટ્રોલ આપીને મદદ કરી હતી. સોમવારે ભારતે ફરી એકવાર શ્રીલંકાને 40000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું છે. આ ઈંધણનો જથ્થો આજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચશે.

Article Content Image

અગાઉ, ભારતે શ્રીલંકાની ડૂબતી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માટે એક અબજ યુએસ ડોલરની લોનની પણ જાહેરાત કરી હતી. આ અગાઉ ભારતે શ્રીલંકાની મદદ માટે લગભગ 2 મહિના પહેલા 36 હજાર મેટ્રિક ટન પેટ્રોલ અને 40 હજાર મેટ્રિક ટન ડીઝલ મોકલ્યું હતું. આમ કુલ ભારતે આજ સુધી શ્રીલંકાને 2.70 લાખ મેટ્રિક ટનથી વધુ ઇંધણ મોકલ્યું હતું.

દવાઓ પણ મોકલી ભારતે

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં આવશ્યક દવાઓની પણ અછત હતી, જેને ધ્યાનમાં રાખીને ભારતે પણ શ્રીલંકામાં આવશ્યક દવાઓનો સપ્લાય કર્યો હતો. નેશનલ આઈ હોસ્પિટલ કોલંબોના ડાયરેક્ટર ડૉ. દમ્મિકાએ કહ્યું હતું કે દવાઓની અછત છે, ત્યારપછી ક્રેડિટ લાઇન હેઠળ પડોશી દેશ ભારતમાંથી દવાઓ અમારી પાસે આવી રહી છે. ભારત તરફથી આ અમારા માટે મોટી મદદ છે.

શ્રીલંકામાં 1948 પછીનું સૌથી મોટું આર્થિક સંકટ

વિશ્વમાં કોરોના મહામારીના સંકટના સમયથી શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં સતત ઘટાડો થવા લાગ્યો હતો. શ્રીલંકા તેની અર્થવ્યવસ્થાના પતનને રોકી શકી નથી અને તેના દેશના 2 કરોડ લોકોના ભોજન, દવાઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ પણ પૂરી પાડી શકી નથી. હાલમાં શ્રીલંકામાં ચાલી રહેલી આ આર્થિક કટોકટી વર્ષ 1948માં આવેલી આર્થિક કટોકટી કરતાં પણ મોટી છે. શ્રીલંકામાં કથળતી આર્થિક વ્યવસ્થા પછી, શ્રીલંકાના રૂપિયામાં ડોલરની સરખામણીએ તીવ્ર ઘટાડો થયો, જેના કારણે તેના પર વિદેશી દેવું વધવા લાગ્યું અને ગત સપ્તાહે જ લંકા નગરી ગણાતા શ્રીલંકાએ વિદેશી દેવા પર પ્રથમ ડિફોલ્ટ કર્યું હતુ.

Gujarat