For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનને FATFમાં બ્લેકલિસ્ટ કરાવશે ભારતઃ ડોઝિયર આપવાની તૈયારી

Updated: Feb 18th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર

પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને પાકિસ્તાન વિરુદ્દ ડોઝિયર આપવાની તૈયારી કરી રહ્યું છે. FATF આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી ફંડિગની મોનિટરિંગ કરે છે. ભારત ડોઝિયર સોંપીને પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાવવાની તૈયારીમાં છે. 

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ફિદાયિન હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પાકા પુરાવા એકઠાં કરી રહી છે જેથી કરીને FATFમાં પાકિસ્તાનનો ચહેરો ઉઘાડો પાડી શકાય. જૈશ પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન છે જેનો આકા મોલાના મસૂદ અઝહર છે. હાલમાં જ બહાવલપુરમાં તેના આલિશાન બંગલા અને આતંકવાદી ઠેકાણાનો પતો લાગ્યો છે. 

એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર ડોઝિયરમાં જૈશ સાથે પાકિસ્તાનના સંબંધોને ઉઘાડા પાડવામાં આવશે અને એ જણાવવામાં આવશે કે કેવી રીતે આ આતંકી સંગઠનને પાકિસ્તાન મદદ પૂરી પાડે છે. આ ડોઝિયર પાકિસ્તાનને પણ સોંપવામાં આવશે. પેરિસસ્થિત આ સંગઠનની બેઠક 17થી 22 એપ્રિલ સુધી ચાલશે જેમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે. 

FATFમાં બ્લેક લિસ્ટ હોવાનો અર્થ એ થશે કે પાકિસ્તાન દુનિયામાં આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં સહયોગ કરી રહ્યું નથી. આમાં આતંકવાદી ફંડિગ અને મની લોન્ડરિંગને ધ્યાનમાં રાખીને કોઇ દેશને બ્લેક લિસ્ટ કરવાની જોગવાઇ છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થઇ જશે તો દુનિયાની અન્ય આર્થિક સંસ્થાઓ જેવી કે આઇએમએફ, વર્લ્ડ બેંક, એડીબી, ઇયુ, મૂડી, એસએન્ડપી અને ફિંચ પાકિસ્તાન સાથેના વેપારને ખતરનાક યાદીમાં મૂકી દેશે. 

ઉલ્લેખનીય છે કે જુલાઇ 2018માં FATF પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકી ચૂક્યું છે. આ સંસ્થામાં હાલ 35 દેશ અને બે ક્ષેત્રીય સંગઠન યૂરોપિયન કમિશન અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સામેલ છે. નોર્થ કોરિયા અને ઇરાન FATFના બ્લેક લિસ્ટમાં પહેલેથી સામેલ છે. 

Gujarat