પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો સુધી ભારત પહોંચી ગયું હતું, નૂરખાન એરબેઝની તબાહીમાં સીઝ-ફાયરનું રહસ્ય રહેલું છે
- નૂરખાન-એરબેઝની પાસેજ પાક.નાં પરમાણુ શસ્ત્રો છે
- નૂરખાન-બેઝ સુધી હુમલા કરી ભારતે તેની પ્રહાર ક્ષમતા દર્શાવી દીધી, સંકેત હતો : 'અમે ગમે ત્યાં પહોંચી શકીએ છીએ.'
નવી દિલ્હી : નૂરખાન-બેઝ પર હુમલો કરી ભારતે માત્ર પાકિસ્તાનની સૈન્ય અને પરમાણુ તાકાત ઉપર માત્ર તીવ્ર પ્રહાર કર્યો નથી, પરંતુ તે સાથે દર્શાવી દીધું છે કે ભારત આતંકવાદ અને તેને પુષ્ટિ આપનારાઓ સામે અમે નિર્ણાયક કાર્યવાહી કરવા સક્ષમ છીએ.
૨૨ એપ્રિલે પહેલગાંવમાં ૨૬ નિર્દોષ પર્યટકોની આતંકીઓએ કરેલી હત્યાએ બંને દેશો વચ્ચેની તંગદિલીને ચરમ સીમાએ પહોંચાડી છે.
ભારતે વળતા પ્રહારમાં ૭ મેના દિને ઓપરેશન-સિંદૂર શરૂ કર્યું. કેટલાએ આતંકી મથકો સાફ કરી નાખ્યાં. તે દિવસે સાંજે પાકિસ્તાનના નૂરખાન બેઝને તોડી નાખ્યું. આ બેઝથી માત્ર થોડે જ દૂર પાકિસ્તાને તેનાં ૧૭૦ પરમાણુ શસ્ત્રો રાખ્યા છે. જો આ મથક તૂટે તો વ્યાપક કિરણોત્સર્ગ થઈ જાય. અમેરિકા તે પરમાણુ શસ્ત્ર-ભંડાર વિષે માહિતગાર છે. તેને તેની ઉડતી જાણ થતાં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ફોન કરી, સીઝ-ફાયર માટે સંમત થવા અનુરોધ કર્યો. તે પૂર્વે પાક. સૈન્યે તો યુદ્ધ વિરામ માટે દરખાસ્ત રજૂ કરી જ હતી. જે સ્વીકારી લેવા ટ્રમ્પે વડાપ્રધાનને ભારપૂર્વક અનુરોધ કર્યો. સંભવ તે પણ છે કે તે ટ્રંક-કોલમાં તેઓએ નૂરખાન-એરબેઝ નજીક રહેલા પાક.નાં પરમાણુ શસ્ત્રો ફાટે તો શી તબાહી થઈ શકે તે વિષે પણ મોદીને કહ્યું હતું. મોદી સીઝ ફાયર માટે સહમત થયા.
આમ તે સીઝ ફાયર પાછળ નૂરખાન-એરબેઝની નજીક જ રહેલાં પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો બચાવવાની કથની છુપાયેલી છે.
આ નૂરખાન એર-બેઝ પહેલા ચકલા-એરબેઝ કહેવાતું હતું. જે ઇસ્લામાબાદથી માત્ર ૧૦ કિ.મી. દૂર જ રાવલપિંડી સ્થિત છે. તે પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય લોજિસ્ટિક હબ છે. જે વીઆઈપી મુવમેન્ટ,રોહી-મિશન અને લાંબા અંતરના મિસાઈલ્સનું સંચાલન કેન્દ્ર પણ છે.
સૌથી મહત્વની વાત તે છે કે, આ એરબેઝ પાકિસ્તાનનાં સ્ટ્રેટેજિક પ્લાન્સ ડીવીઝન (એસપીડી) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (એનસીએ)નાં મુખ્ય મથકની તદ્દન નજીક છે. આ એજન્સીએ દેશનાં આશરે ૧૭૦ પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને સંચાલનની જવાબદારી સંભાળે છે.
૧૦મી મેની સાંજે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કાલ્પ મિસાઇલ્સથી નૂરખાન એરબેઝ ઉપર પ્રચંડ હુમલો કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું હતું કે, આ હુમલો એટલો ઝડપી અને ઘાતક હતો કે, પાકિસ્તાનની એર ડીફેન્સ સીસ્ટીમ તે ટ્રેક કરી ન શકી. તે હુમલામાં એર બેઝની પાયાની સુવિધાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ. પાકિસ્તાન સેનામાં હાહાકાર થઈ ગયો. તેને ખાતરી થઈ ગઈ કે ભારતની મિસાઈલ્સ તેમનાં સંવેદનશીલ સૈન્ય-સ્થાનો સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનના વડેરાઓને ખાતરી થઈ ગઈ કે, ભારત પરમાણુ કમાન્ડ સેન્ટર સુધી પહોંચી શકે છે. નૂરખાન એર બેઝ થી માત્ર થોડા જ કિ.મી. ઉપર પાકિસ્તાનનું પરમાણુ કમાન્ડર સેન્ટર ભારતની પ્રહાર ત્રિજ્યામાં આવી ગયું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે ભારતે તે દ્વારા દર્શાવી આપ્યું છે કે તે પરમાણુ કમાન્ડ સેન્ટરને પણ ડી-કેવિટેટ (નિષ્ક્રીય) કરવાની ક્ષમતા રાખે છે.
પાકિસ્તાને ખુદાના અને ડોનાલ્ડ ટ્રમ્પના શુક્રિયા ગુજારવા જોઈએ કે ભારતે તે પરમાણુ શસ્ત્ર ભંડાર પર હુમલો ન કર્યો. નહીં તો કેટલાયે કિ.મી. સુધી કિરણોત્સર્ગ પ્રસરી રહેત.