For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુધ્ધના ભણકારા : લદ્દાખમાં ભારતે 30,000 સૈનિકો ખડક્યા

- પાકિસ્તાને ગિલગિટમાં, ચીને લદ્દાખ સરહદે 20-20 હજાર સૈનિકો તૈનાત કરતાં

Updated: Jul 1st, 2020

Article Content Image

- ભારત-ચીન વચ્ચે વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ નક્કર પરિણામ વગર પૂર્ણ : એલઓસી પર ભારતીય સૈન્યની પહેલેથી હાજરી છે જ

નવી દિલ્હી, તા. 1 જુલાઇ 2020, બુધવાર

ચીન કોઈ ભ્રમમાં ન રહે એટલા માટે ભારતે પણ ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં ત્રણ ડિવિઝન (૩૦,૦૦૦ સૈનિકો) તૈનાત કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. આર્મીની વિવિધ રિઝર્વ  ફોર્સમાંથી સૈનિકોને લદ્દાખ મોકલાઈ રહ્યા છે. આ બધા સૈનિકો એવા છે, જે બાર-પંદર હજાર ફીટની ઊંચાઈએ નીચા તાપમાને અને પાતળી હવા વચ્ચે લડવા માટે તાલીમ પામેલા છે. સૈનિકો સાથે બેટલ ટેન્ક, દારૂગોળો, અન્ય આયુધો વગેરે પણ લદ્દાખ સરહદે મોકલવાની ભારતે શરૂઆત કરી દીધી છે. વધારાની સૈન્ય ટુકડીઓ અને શસ્ત્રો જમીન અને હવાઈ એમ બન્ને માર્ગે મોકલાઈ રહ્યા છે. 

બીજી તરફ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદી વિવાદ અંગે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો ૩૦મી જૂને યોજાઈ હતી. બન્ને દેશના લેફ્ટનન્ટ કમાન્ડર કક્ષાના અધિકારીઓ મળ્યા હતા. પરંતુ એ વાટાઘાટો દરમિયાન કોઈ નક્કર પરિણામ આવ્યાનું જણાતું નથી. કેમ કે ચીને લદ્દાખ લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી)ની પેલે પાર ૨૦,૦૦૦ સૈનિકો (બે ડિવિઝન) ખડકી દીધી છે. બીજી તરફ ભારતને ભીંસમાં લેવા પાકિસ્તાને પણ પાકિસ્તાન કબજાના કાશ્મીરમાં આવેલી ગિલગિટ-બાલ્ટિસ્તાન લાઈન ઑફ કન્ટ્રોલ (એલઓસી) ખાતે ૨૦,૦૦૦ સૈનિકો ગોઠવી દીધા છે.

પાકિસ્તાન સાથેની એલઓસીમાં ભારતીય સૈન્યની પહેલેથી હાજરી છે જ. માટે ત્યાં હાલ તુરંત મોટી સંખ્યામાં સૈનિકો મોકલાવાની જરૂર નથી. પરંતુ જરૂર  પડયે ત્યાં પણ  વધારાની ટ્રૂપ્સ મોકલાશે. પાકિસ્તાન ભારતની સ્થિતિનો ગેરલાભ લઈને દબાણ ઉભું કરવા પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન આ કામગીરી ચીનની દોરણીથી કરતું હોય એવી પૂરી શક્યતા છે કેમ કે ચીની અને પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ વચ્ચે અનેક મીટિંગો તાજેતરના દિવસોમાં થઈ રહી છે.

ભારતના લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહ અને ચાઈનિઝ લશ્કરી અધિકારી વચ્ચે થયેલી વાત-ચીતમાં બન્ને દેશો એ વાતે સહમત થયા હતા કે લદ્દાખ સંકટનો નિવેડો વહેલી તકે આવવો જોઈએ. પરંતુ એ માટે ચીની સૈનિકો હતા ત્યાં પાછા ખસી જાય  અને વિવાદાસ્પદ ભૂમિ ખાલી કરી આપે એ માટે ચીને તૈયારી દર્શાવી ન હતી. ભારત અને ચીન વચ્ચે આ બેઠક લગભગ ૧૨ કલાક સુધી ચાલી હતી. લશ્કરી ઉપરાંત વિદેશ મંત્રાલયની ચેનલ દ્વારા ડિપ્લોમેટિક લેવલે પણ વાટા-ઘાટો યોજાશે. જોકે ચીને અગાઉ એવી સ્પષ્ટતા કરી છે કે એલએસી પરથી સૈનિકો પાછા ખેંચવા એ જરા ગૂંચવાડાભરી પ્રક્રિયા છે. અર્થાત ચીન હાલ પીછેહટના મૂડમાં નથી.

ચીને ૨૦ હજાર સૈનિકો ખડક્યા છે એ ઉપરાંત બીજા ૧૦-૧૨ હજાર સૈનિકો ૪૮ કલાકના ટૂંકા ગાળામાં એલએસી પર પહોંચાડી શકાય એ રીતે તૈયાર રાખ્યા છે. સમગ્ર સ્થિતિ પર ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખો નજર રાખી રહી છે. ચીન સામાન્ય રીતે તિબેટમાં બે ડિવિઝન જેટલા સૈનિકો રાખતું હોય છે. પરંતુ આ વખતે વધારાની બે ડિવિઝન પણ ચીને તિબેટમાં ગમે ત્યારે એલએસી પર મોકલી શકાય એ રીતે તૈયાર રાખી છે.

પાકિસ્તાની આતંકીઓને ચીન પ્રોત્સાહન આપી રહ્યું છે

ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે કાશ્મીરમાં આતંક ફેલાય અને ભારતીય સૈન્ય તથા સિક્યુરિટી ફોર્સિસ તેમાં વ્યસ્ત રહે એવું ચીનનું આયોજન છે. એ માટે ચીની અધિકારીઓ પાકિસ્તાન કબજાના કાશ્મીરમાં આવેલા આતંકી સંગઠન અલ-બદ્રને મળ્યા હોવાનું મનાય છે. કાશ્મીરના અનેક આતંકી હુમલામાં સંડોવાયેલું આ સંગઠન ઘણા સમયથી નિષ્ક્રિય છે. હવે ચીન તેને ફરીથી સક્રિય કરવા પ્રયત્નશીલ બન્યું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ અલ-બદ્ર ફરીથી સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું અમારા પણ ધ્યાનમાં આવ્યું છે. 

પીઓકેમાં ૪૦ ચાઈનિઝ ફાઈટર વિમાનો જોવા મળ્યા

ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કર્દુ એરબેઝ પર ૪૦ જેટલા ચાઈનિઝ ફાઈટર વિમાનો જોવા મળી રહ્યા છે.  એટલે કે ચીને ઈસ્ટર્ન લદ્દાખમાં સગળતી સ્થિતિ રાખ્યા પછી પશ્ચિમી લદ્દાખમાં પણ ગતિવિધિ વધારી દીધી છે. ભારત પર હુમલો કરવાનો થાય એ સંજોગોમાં ચીન પૂર્વમાંથી પોતાના એરબેઝ અને પશ્ચિમમાંથી પીઓકેનું સ્કર્દુ એરબેઝ વાપરે એવી શક્યતા છે. અહીં ચીની વાયુસેનાના જે-૧૦ પ્રકારના વિમાનો ગોઠવાયા છે. સ્કર્દુ લેહથી ૧૦૦ કિલોમીટર જ આઘે છે, તો વળી ચીનના બધા એરબેઝ કરતાં ભારતથી વધારે નજીક છે. તિબેટના ૩ એરબેઝ અનુક્રમે કાસહ્ગર, હોતાન અને નાગરી પર ચીની વાયુસેનાના વિમાનો ખડકાઈ રહ્યા છે. આ ત્રણેય એરબેઝ લેબથી ૩૦૦થી ૬૦૦ કિલોમીટર દૂર આવેલા છે. અલબત્ત, આ બધા એરબેઝ ૧૧ હજાર ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલા હોવાથી ચીની વાયુસેના માટે ત્યાંથી ચઢાણ-ઉતરાણ મુશ્કેલીભર્યું છે.

વડાપ્રધાનનું વિબો એકાઉન્ટ બંધ કરાશે

ચાઈનિઝ સોશિયલ મીડિયા સાઈટ વિબો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ છે. એ એકાઉન્ટ હવે બંધ કરાશે. થોડા વર્ષો પહેલા વડા પ્રધાને આ એકાઉન્ટ ખોલ્યુંહતું. તેમાં તેઓ ચીની નેતા ઝિનપિંગને ચાઈનિઝ ભાષામાં શુભેચ્છા આપતા હતા. વડા પ્રધાનના ત્યાં ૨.૪૪ લાખ ફોલોઅર્સ છે અને અત્યાર સુધીમાં ૧૧૫ પોસ્ટ મુકાઈ છે. વિબો એકાઉન્ટ અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટની જેમ સરળતાથી બંધ થઈ શકતું નથી. તેની પ્રક્રિયા લાંબી છે. એ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 

ભારતમાં જાસૂસ મોકલવા ચીનના પ્રયાસો

ભારતમાં બે તિબેટિયન નાગરિકોને જાસૂસ તરીકેે મોકલવા ચીને પ્રયાસો શરૂ કર્યા છે. ચીનનો ઈરાદો તાશી અને દોરજી એવા નકલી નામ ધરાવતા આ બે વ્યક્તિઓને નેપાળ સરહદે ભારતમાં  ઘૂસાડવાનો છે. આ બન્ને નાગરિકોને ચીની સૈન્ય  દ્વારા તાલીમ પણ મળેલી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે આ બન્ને નાગરિકો અરૂણાચલ અને સિક્કીમમાં સ્થાનિક પ્રજા સાથે સારા સબંધો ધરાવે છે. તેનો ઉપયોગ કરી હવે ચીન તેમને ભારતમાં મોકલી ભારત-વિરોધી પ્રવૃત્તિ કરવા માંગે છે.

અરૂણાચલમાં પણ ચીની સૈનિકો વધ્યા

આ તરફ લદ્દાખમાં આખા જગતનું ધ્યાન છે,  ત્યારે પૂર્વમાં અરૂણાચલ સરહદે પણ ચીની સૈનિકોની સંખ્યા વધી ગઈ છે. સમગ્ર અરૂણાચલ પોતાનું હોવાનો ચીન વર્ષોથી દાવો કરે છે. ચીને અત્યારે તવાંગ અને વાલોંગ પાસેની બધી પોસ્ટમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. એટલું જ  નહીં ઘૂસણખોરીના પણ પ્રયાસો શરૂ કર્યા છે. કેટલાક સ્થળોએ ચીને પોતાની સરહદમાં કામચલાઉ લશ્કરી કેમ્પ ઉભા કરી દીધા છે.

Gujarat