For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'સમગ્ર રાષ્ટ્રએ એકજૂથ થઈને ચીનને જવાબ આપવો જોઈએ' : મનમોહન સિંહ

મનમોહન સિંહની સરકારને ચેતવણીઃ ભ્રામક પ્રચાર કદી પણ મુત્સદ્દીગીરી અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ નહીં બની શકે

Updated: Jun 22nd, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 22 જૂન 2020, સોમવાર

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટ્રએ એકજૂથ થવાનો છે અને આપણે સંગઠિત થઈને આ દુસાહસનો જવાબ આપવો જોઈએ. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, '15-16 જૂનના રોજ ગાલવાન ઘાટીમાં ભારતના 20 જવાનોએ સર્વોચ્ય કુરબાની આપી. દેશના આ સપુતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ય ત્યાગ માટે આપણે આ સાહસી સૈનિકો અને તેમના પરિવારના કૃતજ્ઞ છીએ પરંતુ આ બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.'

મનમોહન સિંહે જણાવ્યું કે, આપણે ઈતિહાસના નાજુક વળાંકે ઉભા છીએ. આપણી સરકારના નિર્ણયો અને સરકારના પગલા ભવિષ્યની પેઢી આપણી આકારણી કેવી રીતે કરશે તે નક્કી કરશે. દેશનું નેતૃત્વ કરનારા લોકોના ખંભા પર કર્તવ્યની ગંભીર જવાબદારી છે. આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી વડાપ્રધાનની છે.

પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે, 'વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને દુન્યવી તથા ભૂપ્રદેશના હિતો પર પડતા પ્રભાવ પ્રત્યે હંમેશા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. ચીને એપ્રિલથી લઈને આજ સુધી ગાલવાન ઘાટી અને પૈંગોંગ ત્સો લેક વિસ્તારમાં અનેક વખત બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી છે.' 

ચીનની ઘૂસણખોરી મુદ્દે મનમોહન સિંહે કહ્યું કે, 'આપણે તેમની ધમકીઓના દબાણ સામે નમવાના નથી અને આપણા ભૂપ્રદેશની અખંડિતતા સાથે કોઈ સમજૂતી નહીં સ્વીકારીએ. વડાપ્રધાને પોતાના નિવેદનો વડે તેમના (ચીનના) કાવતરાને બળ ન આપવું જોઈએ અને સરકારના તમામ અંગો આ જોખમનો સામનો કરવા અને સ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવવા પરસ્પર સહમતિથી કામ કરે તે સુનિશ્ચિત કરવું જોઈએ.'

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટ્રએ એકજૂથ થવાનો છે અને સંગઠિત થઈને દુસાહસનો જવાબ આપવાનો છે. અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભ્રામક પ્રચાર કદી પણ મુત્સદ્દીગીરી અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ નહીં બની શકે. પોતાના સહયોગીઓ દ્વારા પ્રચારિત જુઠાણાના આડંબર વડે સત્યને દબાવી નહીં શકાય. 

Gujarat