ચીનના ફાઈટર વિમાનો લદ્દાખ સરહદથી દૂર રહે : ભારતની ચેતવણી

તાઈવાન સાથે તણાવ વચ્ચે ચીનને ભારતે ચોપડાવ્યું

ચીન સાથે સૈન્ય સ્તરની વાટાઘાટોમાં પહેલી વખત ભારતીય એરફોર્સના અધિકારી પણ હાજર રહ્યા


નવી દિલ્હી, તા.૫

અમેરિકન સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી છંછેડાયેલા ચીને તાઈવાનને છ બાજુથી ઘેરીને અભૂતપૂર્વ સૈન્યાભ્યાસ શરૃ કરતાં બંને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ છે. આવા સમયમાં ભારતે ચીનને ચેતવણી આપતાં તેના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા કહ્યું છે.

ચીનના ફાઈટર વિમાનો છેલ્લા કેટલાક સમયથી પૂર્વીય લદ્દાખમાં ભારતની સરહદની ઘણી નજીક આવી ગયા હતા. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ હળવું કરવા માટે ભારતે ચીન સાથે સૈન્ય સ્તરની બેઠક બોલાવી હતી, જેમાં ભારતે પૂર્વીય લદ્દાખમાં ચીનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે ચીનને આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે ચીનનો તાઈવાન સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વિશેષ સૈન્ય બેઠક મેજર જનરલના નેતૃત્વમાં યોજાઈ હતી. આ દરમિયાન એરફોર્સના એર કોમોડોર પણ હાજર રહ્યા હતા. ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પહેલી વખત ભારતીય એરફોર્સના કોઈ અધિકારીએ સૈન્ય સ્તરની વાતચીતમાં ભાગ લીધો હતો. આ બેઠક ચુશૂલ મોલ્ડોમાં યોજાઈ હતી. બેઠકમાં ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું હતું કે તેના વિમાન ઉડ્ડયન સમયે તેમની હદમાં જ રહે. સાથે જ તેઓ એલએસી અને ૧૦ કિ.મી. સીબીએમ લાઈન પાર ના કરે.

City News

Sports

RECENT NEWS