કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ 'બ્રહ્મોસ' મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે
- અવાજ કરતાં આઠ ગણી આ મિસાઇલની ગતિ છે
- બ્રહ્મોસ નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદી ઉપરથી અપાયું છે સાથે પુરાણોના બ્રહ્માસ્ત્રની યાદ આપે છે
નવી દિલ્હી : ભારત અને રશિયા બ્રહ્મોસ મિસાઇલનું નવું વર્ઝન બનાવી રહ્યા છે. અવાજ કરતાં આઠ ગણી ઝડપે એટલે કે કલાકના ૧૧૦૦૦ કી.મી.ની ઝડપે જનારૃં આ મિસાઇલ તેની ગતિને લીધે રડારમાં પણ ઝડપાય તેમ નથી. આ પૂર્વે ભારતમાં જ બનેલા કલાકનાં ૫૦૦૦ કી.મી.ની ઝડપે જનારા બ્રહ્મોસ મિસાઇલ્સે 'ઓપરેશન સિંદૂર' સમયે તેની તાકાત દર્શાવી દીધી હતી.
બ્રહ્મોસ-એરોસ્પેસના પૂર્વ મહાનિર્દેશક અતુલ રાણેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ મિસાઇલનું કામ શરૂ થઈ ચૂક્યું છે. થોડા સમયમાં જ તે ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળને પણ અપાઈ જશે.
ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કોવા રિવર ઉપરથી તેનું નામ બ્રહ્મોસ રખાયું છે પરંતુ તે સાથે તે પુરાણોનાં બ્રહ્માસ્ત્રની પણ યાદ આપે છે.
આ પ્રોજેક્ટમાં ભારતની ડી.આર.ડી.ઓનો ૫૦.૫૦ ટકા હિસ્સો છે. જ્યારે રશિયાની કંપનીનો ૪૯.૫૦ ટકા હિસ્સો છે. અવાજથી ૮ ગણી ગતિથી જનારા આ મિસાઇલની રેન્જ ૧૫૦૦ કી.મી.થી વધુ છે તે 'મેચ-૮' કે 'મેચ-૯'ની ઝડપ એટલે કે ૧૧૦૦૦ કી.મી. કલાક જેટલી હોવાથી તે રડારમાં ઝડપી શકાય તેમ નથી તેમાં 'સ્કેલ-જેટ' એન્જિનનો ઉપયોગ કરાયો છે. જે હવામાંથી જ ઓકસીજન ખેંચી લાંબા સમય સુધી ઉડાન ભરી પણ શકશે. તેનું વજન પણ ઘણું ઓછું છે, તેથી આપણાં તેજસ વિમાન દ્વારા પણ લોન્ચ કરી શકાય તેમ છે.
આ મિસાઇલ આયર્ન ડોમ એર ડીફેન્સ સીસ્ટીમથી પણ એડવાન્સ્ડ મનાય છે. તેથી આ હાઈપર સોનિક મિસાઇલને રોકવું મુશ્કેલ છે.
બ્રહ્મોસનું આ વર્ઝન 'ડીપ-ઈન્સાઇડ-ટાર્ગેટસ'ને પણ ભેદી શકે તેમ છે. તેની ઝડપ એટલી છે કે તે ઈન્ટરસેપ્ટ કરવું મુશ્કેલ છે. એડવાન્સ્ડ કંટ્રોલ સીસ્ટીમ સ્ટીલ્ધ ફીચર્સ અને આધુનિક ડીઝાઈન આ મિસાઇલની વિશિષ્ટતા છે.
આ મિસાઇલ દુનિયાનાં સૌથી ઝડપી સુપર સોનિક મિસાઇલ્સ કરતાં પણ ઝડપી હોવાથી તે 'હાઈપર સોનિક' શ્રેણીમાં આવે છે.