Get The App

ગુજરાતમાં પેટ્રોલ રૂ.10.25 અને ડીઝલ રૂ. 17 સસ્તું

Updated: Nov 3rd, 2021

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં પેટ્રોલ રૂ.10.25 અને ડીઝલ રૂ. 17 સસ્તું 1 - image


- મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને સરકારની દિવાળી ગિફ્ટ

- કેન્દ્રએ પેટ્રોલની એક્સાઇઝ ડયૂટીમાં રૂ.૫, ડીઝલમાં રૂ. 10નો ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલના વેરામાં વધુ રૂ.4 અને ડીઝલમાં રૂ. 5.50 ઓછા કર્યા : નવો ભાવ આજથી અમલમાં

- સરકારની ઇંધણ પરના વેરાની કમાણી 2014માં 73,000 કરોડ હતી, જે પાંચ ગણી વધીને 2020-21માં 3.89 લાખ કરોડ  થઈ

- તાજેતરની પેટાચૂંટણીઓમાં મતદારોએ પાઠ ભણાવતા સરકારને જ્ઞાન લાદ્યુ 

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જારી રહેલી આગઝરતી વૃદ્ધિ તથા પેટાચૂંટણીમાં પ્રજાએ શીખવાડેલા પદાર્થપાઠના પગલે સરકારે ચોથી નવેમ્બરથી  અમલમાં આવે તે રીતે પેટ્રોલમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દસ રૂપિયાનો એકસાઇઝ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડો દિવાળીના દિવસથી અમલી બનશે. આના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ તેના પ્રમાણ મુજબ ઘટાડો જોવા મળશે.  ડીઝલ પરની એક્સાઇઝ પેટ્રોલ કરતાં બમણી ઘટાડવામાં આવી છે. ભારતીય ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ પરની એકસાઇઝમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી રવી સીઝન પૂર્વેે ડીઝલ પરનો ઘટાડો ખેડૂતો માટે અત્યંત મહત્ત્વનો નીવડશે. 

ચોથી નવેમ્બરથી અમલી બને તે રીતે કરવામાં આવેલા ઘટાડાના લીધે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હાલના પ્રતિ લિટર ૧૧૦.૦૪થી ઘટીને ૧૦૫.૦૪ થઈ જશે. ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૯૮.૪૨ રૂપિયાથી ઘટીને ૮૮.૪૨ રુપિયા થશે. 

સરકારે ગયા વર્ષે માર્ચથી મે ૨૦૨૦ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડયુટી પ્રતિ લિટર ૧૩ અને ૧૬ રુપિયા વધારી હતી, તેના પછી સરકાર દ્વારા કરાયેલો આ સૌથી મોટો ઘટાડો છે. સરકારે તે વખતે ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો ન હતો. હાલમાં દેશના બધા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે. સરકાર આ ઘટાડા પૂર્વે પેટ્રોલમાં પ્રતિ લિટર ૩૮.૭૮ રૂપિયા એકસાઇઝ વસૂલતી હતી.

હવે એપ્રિલથી ઓક્ટોબરના વપરાશના આંકડા મુજબ સરકાર દ્વારા એક્સાઇઝમાં ઘટાડો કરવાના લીધે તેને પ્રતિ માસ ૮,૭૦૦ કરોડનો ફટકો પડશે એટલે કે વર્ષે એક લાખ કરોડનો ફટકો પડશે. હવે વર્તમાન નાણાકીય વર્ષમાં બાકીના છ મહિના બાકી છે તે જોતાં સરકારને વર્તમાન નાણાકીય વર્ષમાં ૪૩,૫૦૦ કરોડનો ફટકો પડશે. 

ડીઝલ પરની એકસાઇઝ ઘટાડાતા ટ્રક અને કૃષિ ક્ષેત્રને સૌથી મોટો ફાયદો થશે. તેઓ ડીઝલનો સૌથી વધુ વપરાશ કરે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં સરકારની પેટ્રોલિયમ પેદાશો પરની આવકમાં ૩૩ ટકા વૃદ્ધિ થઈ છે. પેટ્રોલ-ડીઝલના વિક્રમજનક ભાવોના લીધે સામાન્ય માનવી પર તેની વિપરીત અસર થઈ રહી છે. 

વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૧ના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન સરકારને ઇંધણ પેદાશો પરની એકસાઇઝ આવક ૧.૭૧ લાખ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧.૨૮ લાખ કરોડ હતી. તેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન એકસાઇઝ પેટે સરકારને ૯૫,૯૩૦ કરોડની આવક થઈ હતી. આમ ૨૦૧૯ના સ્તરે જોઈએ તો સરકારની એકસાઇઝ આવકમાં ૭૯ ટકાનો વધારો થયો છે અને ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૩૩ ટકા વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન સરકારને એકસાઇઝ કલેક્શન પેટે ૩.૮૯ લાખ કરોડની આવક થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૨.૩૯ લાખ કરોડ હતી. આ બતાવે છે કે સરકાર પાસે ભાવ ઘટાડાને પૂરતો અવકાશ છે.

મોદી સરકાર સત્તા પર આવી ત્યારે સરકારને પેટ્રોલ-ડીઝલ, ગેસ પરના વેરા પેટે ૭૩,૦૦૦ કરોડની આવક થઈ હતી, આ આવક ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષના અંત વધીને ૩.૮૯ લાખ કરોડ થઈ ગઈ હતી. આમ તેમા રીતસરનો ૫૦૦ ટકા વધારો નોંધાયો હતો. સરકાર સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પરની એકસાઇઝ ડયુટી પ્રતિ લિટર ૯.૪૨ રુપિયા હતી, જે પછી વધારીને ૩૨.૯૦ રુપિયા કરી દેવાઈ હતી. આમ તેમા સીધો ૩૦૦ ટકાનો વધારો કરાયો હતો. હાલમાં સામાન્ય માનવી જે સ્થિતિમાં છે તે જોતાં આ ઘટાડો હજી પણ ઓછો છે તેમ જ કહી શકાય. આમ ભાજપ સરકાર સત્તા પર આવ્યા પછી  પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરા પેટે જ વીસ લાખ કરોડથી વધુ રકમ વસૂલી ચૂકી છે તેમ કહી શકાય. 

પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ કરતાં વધારે બેઠક જીતતા સરકાર સફાળી જાગી હતી અને આ ભાવઘટાડો કરવો પડયો હતો. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આટલા ઊંચા ભાવવધારા પછી કેટલા રાજ્યોમાં ભાજપ ફરીથી સત્તા પર આવે તે જોવું મહત્ત્વનું રહેશે. ભાવમાં ઘટાડો થવાના પગલે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર ૬.૨૫ રૂપિયા અને ડીઝલ ૧૧.૫૦ રૂપિયા સસ્તુ થશે.

સરકારે છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલની એકસાઇઝમાં કરેલો વધારો (પ્રતિ લિટર રૂ.માં)

તારીખ

પેટ્રોલ

પેટ્રોલ

ડીઝલ

ડીઝલ

-

બ્રાન્ડેડ

અનબ્રાન્ડેડ

બ્રાન્ડેડ

અનબ્રાન્ડેડ

૦૪/૧૦/૨૦૧૭

૧૯.૪૮

૨૦.૬૬

૧૫.૩૩

૧૭.૬૯

૦૨/૦૨/૨૦૧૮

૧૯.૪૮

૨૦.૬૬

૧૫.૩૩

૧૭.૬૯

૦૫/૧૦/૨૦૧૮

૧૭.૯૮

૧૯.૧૬

૧૩.૮૩

૧૬.૧૯

૦૬/૦૭/૨૦૧૯

૧૯.૯૮

૨૧.૧૬

૧૫.૮૩

૧૮.૧૯

૧૪/૦૩/૨૦૨૦

૨૨.૯૮

૨૪.૧૬

૧૮.૮૩

૨૧.૧૯

૦૬/૦૫/૨૦૨૦

૩૨.૯૮

૩૪.૧૬

૩૧.૮૩

૩૪.૧૯

૦૨/૦૨/૨૦૨૦

૩૨.૯૦

૩૪.૧૦

૩૧.૮૦

૩૪.૨૦

Tags :