For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીમાં તબલિગી સમાજના હેડક્વાર્ટરમાં સંમેલનથી કોરોનાનો દેશવ્યાપી ફેલાવો

- મરકઝના કાર્યક્રમમાં ભાગ લઈને ગાયબ થઈ ગયેલાઓની દેશભરમાં શોધખોળ

- નિઝામુદ્દીનમાં કેન્દ્રના 1530 લોકોમાંથી 441માં કોરોનાના લક્ષણો, 1127ને ક્વોરન્ટાઈન માટે મોકલાયા: દેશભરમાં મહામારી ફેલાવાનો ભય

Updated: Mar 31st, 2020

- મરકઝના કાર્યક્રમમાં હાજરી આપનારા તેલંગાણાના છ અને જમ્મુ કાશ્મીરમાં એકનું કોરોના વાઈરસનાં કારણે મોતથી વિવાદ

- દિલ્હીમાં માત્ર તબલિગી સમાજના વધુ 24 પોઝિટીવ કેસો

- સરકારના જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છતાં કાર્યક્રમ બદલ મરકઝના મૌલાના સાદ સામે એફઆઈઆર



દિલ્હી, તા. 31 માર્ચ 2020, મંગળવાર

કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે એકબાજુ આખો દેશ લોકડાઉન છે અને દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ કરાઈ રહી છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દિન સ્થિત તબલિગી જમાતના મરકઝ એટલે કે આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાંથી અંદાજે ૧૫૪૮ લોકોને બહાર કઢાયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે મરકઝમાંથી કાઢવામાં આવેલા ૧૫૩૦ લોકોમાંથી ૪૪૧ લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં સામે આવેલા કોરોનાના ૯૭ પોઝિટિવ કેસોમાંથી ૨૪ મરકઝના છે. 

દિલ્હી પોલીસે મંગળવારે આ મહિને નિઝામુદ્દિન પશ્ચિમમાં ધાર્મિક સંમેલનના આયોજન બદલ તબલિગી જમાતના મરકઝના મૌલાના સામે એફઆઈઆર નોંધી છે. કોરોનાના કારણે જાહેર સામાજિક, ધાર્મિક સમારંભો નહીં યોજવાના દિલ્હી સરકારના આદેશનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરાઈ હતી.

દક્ષિણ દિલ્હીમાં સ્થિત આ કેન્દ્રમાં ૧લીથી ૧૫મી માર્ચ સુધી વિદેશીઓ અને દેશમાંથી ભારતીયો સહિત ૨,૦૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. રવિવારે રાત્રે આ કેન્દ્રમાં અનેક લોકોમાં કોરોનાના લક્ષણો જણાતાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. 

જોકે, ઓથોરિટીને તબલિગી જમાતના કાર્યક્રમના કારણે સમગ્ર દેશમાં કોરોનાનો પ્રસાર થયો હોવાનો ભય છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મરકઝના મેનેજમેન્ટ પર એપેડેમિક ડીસીસ એક્ટ અને આઈપીસીની વિવિધ જોગવાઈઓ હેઠળ સરકારી આદેશોના ભંગ બદલ નિઝામુદ્દિન કેન્દ્રના મૌલાના સાદ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેલંગાણા સરકારે સોમવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે દિલ્હીમાં આ કાર્યક્રમમાં હાજરી આપનારા છ લોકોના વાઈરસના કારણે મોત નીપજ્યાં હતા.

મરકઝના કાર્યક્રમ મુદ્દે કેજરીવાલ નારાજ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સામે આવેલા કોરોનાના કેસોના સંશોધનમાં જે મુખ્ય વાત સામે આવી છે કે તેમાં લોકલ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું. જોકે, મરકઝમાંથી જે લોકોને કાઢવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના લોકો કોરોના પોઝિટિવ હોઈ શકે છે. મરકઝમાં ૧૨-૧૩ માર્ચે મોટી સંખ્યામાં બહારથી આવેલા લોકોએ ભાગ લીધો હતો. અહીંથી કાઢવામાં આવેલા લોકોમાંથી ૨૪ કેસ પોઝિટિવ આવ્યા છે.

મરકઝમાંથી નીકળેલા 441 લોકોમાં કોરોનાના લક્ષણ

કેજરીવાલે જણાવ્યું કે મરકઝમાં હાજર રહેલા ૧૫૪૮ લોકોમાંથી ૪૪૧ લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. ઉપરાંત ૧૧૨૭ લોકોને ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે. આ રીતે લોકોનું એકત્ર થવું મોટી બેદરકારી છે. આ કાર્યક્રમ પછી તેમાં ભાગ લેનારા લોકો દેશના અન્ય ભાગોમાં પણ ગયા છે, જેથી ત્યાં પણ કોરોના ફેલાઈ શકે છે. મરકઝ મુદ્દે કેજરીવાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે બધા જ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા બંધ છે એવા સમયમાં મરકઝમાં મોટી સંખ્યામાં લોકો શા માટે હાજર રહ્યા હતા. આ રીતે આપણે બેજવાબદારીપૂર્ણ વર્તન કરીશું તો સમસ્યા વધુ વકરશે.

નિઝામુદ્દીન તબલિગી જમાતનું વૈશ્વિક કેન્દ્ર

દરમિયાન નિઝામુદ્દીનમાં સ્થિત તબલિગી જમાતના કેન્દ્ર (મરકઝ)માં અનેક લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પ્રકાશમાં આવતાં વિવાદ વકર્યો છે. તબલિગી જમાતના આ કેન્દ્રના અધિકારીઓનું કહેવું છે કે આ કેન્દ્ર દેશનું જ નહીં, સમગ્ર વિશ્વનું મોટું કેન્દ્ર હોવાથી સામાન્ય સમયમાં પણ હજારો લોક અહીં આવે છે. તાજેતરમાં જ અહીં જમાતનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

કાર્યક્રમ રદ કરવા બે વખત નોટીસ આપી હતી : દિલ્હી પોલીસ

મરકઝની બાબતમાં દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી આર.પી. મીણાએ કહ્યું કે અમે કાર્યક્રમ રદ કરવા અને ભીડ એકત્ર ન કરવા માટે તબલિગી જમાતને બે વખત ૨૩મી માર્ચે અને ૨૮મી માર્ચે નોટીસ આપી હતી. સાથે આગ્રહ કર્યો હતો કે કોરોના મહામારીના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવે. પરંતુ નોટિસ છતાં કાર્યક્રમનું આયોજન થયું હતું, જે લોકડાઉનના આદેશોનો ભંગ છે. 

દિલ્હી પોલીસને તબલિગી જમાતનો જવાબ

સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન છે ત્યારે નિઝામુદ્દીન કેન્દ્રમાં આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકત્ર થયા તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

આ ઉપરાંત દિલ્હી પોલીસે મરકઝને પાઠવેલી નોટીસના જવાબમાં તબલિગી જમાતના મૌલાના યુસુફે જણાવ્યું હતું કે લોકડાઉન છતાં મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવાનો કોઈ સવાલ નથી, કારણ કે લોકડાઉન પહેલાં જ અહીં મોટી સંખ્યામાં લોકો જમા હતા. લોકડાઉનના આદેશ પછી અહીં કોઈ નવી વ્યક્તિને પ્રવેશવાની મંજૂરી અપાઈ નથી. લોકડાઉનના આદેશ બાદ તુરંત કેન્દ્રના દરવાજા બંધ કરી દેવાયા હતા. ૨૨મી માર્ચે વડાપ્રધાન મોદીએ જનતા કરફ્યુનું આહવાન કર્યું હતું ત્યાર પછી મરકઝને મોટાભાગે ખાલી કરી દેવાયું હતું. જોકે, આ કેન્દ્રને ખાલી કરવાનું કામ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાતને કારણે અટકાવવું પડયું હતું.

યુપીના મવાનામાં 10 વિદેશીને છુપાવવા બદલ કાઝી સામે કેસ

દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે તેવા સમયે ઉત્તર પ્રદેશના મવાનામાં એક મસ્જિદમાં ૧૦ વિદેશી ધાર્મિક પ્રચારકોને છુપાવી રાખવા બદલ શહેરના કાઝી અને તેમના બે સાથીઓ સામે કેસ કરવામાં આવ્યો છે તેમ પોલીસે જણાવ્યું હતું. આ વિદેશી ધાર્મિક પ્રચારકો ૧૭મી માર્ચથી શહેરની એક મસ્જિદમાં રહેતાં હોવા છતાં પોલીસને કે તંત્રને તેની જાણ કરવામાં આવી નહોતી. મવાના પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર ત્યાગીએ જણાવ્યું હતું કે ૧૦માંથી પાંચ ધાર્મિક પ્રચારકો સુદાનમાંથી, ચાર જિબૌતિમાંથી અને એક કેન્યામાંથી આવ્યા છે. શહેરના કાઝી મૌલાના નફીસ કાઝમી અને તેમના બે સાથીઓ ડો. અસલમ એડવોકેટ અને નૈમુદ્દીન સામે આઈપીસીની કલમ ૧૮૮, ૨૭૦ અને ૨૭૧ હેઠળ કેસ નોંધાયો છે. બધા જ ધાર્મિક પ્રચારકોને ૧૪ દિવસ સુધી મસ્જિદની અંદર જ ક્વોરન્ટાઈનમાં રહેવા જણાવાયું છે.

એક મહિનામાં 8,000 લોકોએ મરકઝની મુલાકાત લીધી

નિઝામુદ્દિન ખાતે તબલિગી જમાતના મરકઝ તરીકે ઓળખાતા આંતરરાષ્ટ્રીય કેન્દ્રની છેલ્લા એક મહિનામાં ૮,૦૦૦થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જેમાંથી મોટાભાગના લોકો તેમના વતન પરત ફરી ગયા છે અથવા હજારો લોકો દેશના વિવિધ ભાગોમાં મરકઝના અન્ય કેન્દ્રોમાં પરત ફર્યા છે. આમાંથી કેટલાક લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમ કે, ઈન્ડોનેશિયાના છ નાગરિકોના હૈદરાબાદમાં પોઝિટિવ ટેસ્ટ આવ્યા હતા. તે જ રીતે જમ્મુ અને કાશ્મીર અને તેલંગાણામાં પોઝિટિવ આવેલા એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

તબલિગી જમાતના સંમેલનોથી અનેક દેશોમાં કોરોના ફેલાયો

તબલિગી જમાતના નિઝામુદ્દિનના કેન્દ્રમાં યોજાયેલા સંમેલનથી માત્ર ભારત જ નહીં પરંતુ અનેક દેશોમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. દિલ્હીની જેમ તબલિગી જમાતના કેન્દ્રોમાં માર્ચ મહિનામાં સમગ્ર વિશ્વના કેન્દ્રોમાં સંમેલનો યોજાયા હતા. પરિણામે આ સંમેલનોએ કોરોના ફેલાવવાનું કામ કર્યું છે. પડોશિ દેશ પાકિસ્તાનના લાહોરમાં બે  સપ્તાહ પહેલાં તબલિગી જમાતના સંમેલનમાં અઢી લાખ લોકો જોડાયા હતા. પાકિસ્તાન ઉપરાંત કુવૈત, ફિલિપાઈન્સ, ટયુનિશિયા સહિતના દેશોમાં તબલિગી જમાતના સંમેલનો યોજાયા હતા, જેમાં લાખો લોકો હાજર રહ્યા હતા. પ્રાપ્ત સૂચના મુજબ આ સંમેલનોના કારણે આ બધા જ દેશોમાં કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાયો છે. પાકિસ્તાનમાં હાલ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૧૪૦૦થી વધુ થઈ ગઈ છે. મલેશિયામાં પણ તબલિગી જમાતના સંમેલનથી છ દેશોમાં કોરોનાના પ્રસારનું જોખમ સર્જાયું છે. આ કાર્યક્રમમાં ૧૬ હજાર લોકોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં બુ્રનેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત છ દક્ષિણ પૂર્વી દેશોમાં કોરોના વાઈરસ ફેલાયો છે. આ જ કારણ છે કે તબલિગી જમાતને હાલ સમગ્ર એશિયામાં કોરોનાના પ્રસારનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.

Gujarat