For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈમરાનના સાંસદ મોદીને મળ્યા, પુલવામા હુમલામાં પાક.નો હાથ ન હોવાનો દાવો કર્યો

- કુંભ મેળામાં પાક.ના પ્રતિનિધિ તરીકે આવેલા

- પાક.ના શાસક પક્ષ પીટીઆઈના સાંસદ રમેશ કુમાર વનકવાની વિદેશમંત્રી સુષમાને પણ મળ્યા

Updated: Feb 24th, 2019

Article Content Image

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

પાકિસ્તાનના શાસક પક્ષ પીટીઆઈના સાંસદ રમેશકુમાર વનકવાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નહીં હોવાનું જણાવ્યું હતું. તેમણે વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રાજ્ય મંત્રી વી.કે. સિંહની પણ મુલાકાત લીધી હતી.

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદે કુંભ મેળામાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું હતું. પાક. સાંસદ રમેશકુમાર આ પ્રતિનિધિ મંડળમાં સામેલ હતા. તેમણે કુંભ મેળામાં તેમના સ્વાગત બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નથી. બંને દેશોએ સકારાત્મક દિશામાં આગળ વધવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાની ભારત સહિત વિશ્વના દેશોએ ટીકા કરી છે. પાકિસ્તાન પાસે જૈશ સામે કાર્યવાહી કરવાની ખાતરી માગી છે. ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો ખેંચ્યો છે.

વનકવાની ભારત આવ્યા તે અગાઉ ભારતે પાકિસ્તાનના રાજદૂત સોહેલ મહમૂદને બોલાવી પુલવામા હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત પાસે પુલવામાં હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા માગ્યા હતા. ભારત હુમલો કરશે તો પોતે પણ જવાબ આપશે તેમ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ભારત કાર્યવાહી કરવા લાયક માહિતી આપે તો તપાસ કરવા તૈયાર છે. હવે પાકિસ્તાન નવું છે, નવી વિચારધારા સાથે સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Gujarat