For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમારી સરકાર આવશે તો અર્ધસૈનિક દળોના જવાનોને શહીદીનો દરજજો મળશે : રાહુલ ગાંધી

-મોદી સરકાર સ્વીકારવા જ તૈયાર નથી કે દેશમાં બેકારી ગંભીર સમસ્યા છે :કોંગ્રેસ પ્રમુખ

-દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે રાહુલની વાતચીત

Updated: Feb 23rd, 2019

નવી દિલ્હી, તા.23 ફેબ્રુઆરી 2019,શનિવાર

દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની જોરદાર ટીકા હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓનો ૩.૫ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યુ છે. ૧૫ થી ૨૦ ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડયો છે જ્યારે ખેડૂતોનું દેવું માફ કર્યુ નથી. 

અર્ધલશ્કરી દળોના જવાનોને શહીદનો દરજજો આપવા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સરકાર આવશે તો અમે અર્ધસૈનિક દળોના જવાનોને શહીદનો દરજ્જો આપીશું.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં દખલગીરી કરી રહી છે અને શિક્ષણ પાછળનું બજેટ ઘટાડી રહી છે. 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આજે અર્ધસૈનિક દળોના જવાનોને શહીદીનો દરજ્જો આપવામાં આવતો નથી પણ જે અમારી સરકાર આવશે તો અમે તેમને શહીદીનો દરજ્જો આપીશું. આજે યુનિવર્સિટીઓમાં કુલપતિની જગ્યા પર એક સંગઠનની વિચારધારા ધરાવતા લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે. 

બેંક લોન સરળ બનાવી, સ્કોલરશીપનો વ્યાપ વધારી કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને મદદ કરવી જોઇએ. બેકારીને કારણે યુવાનોમાં રોષ વધી રહ્યો છે. દેશમાં રોજગારી વધારવાની ખૂબ જ જરૂર છે. દેશના તમામ લોકો મક્કમ નિર્ધાર કરી લે તો આપણે ચીનને પાછળ ધકેલી શકીએ છીએ. 

બેકારીની સમસ્યા અંગે રાહુલે જણાવ્યું હતું કે સરકાર સ્વીકારવા જ તૈયાર નથી કે દેશમાં બેકારીની સમસ્યા છે. વડાપ્રધાન મોદી બેકારીના મુદ્દે ક્યારેય ચર્ચા કરતા નથી. હું તેમને આ મુદ્દે ચર્ચા કરવા ૫૦ વખત જણાવી ચૂક્યો છું. 

હિંસાને માત્ર પ્રેમ હરાવી શકે છે. હિંસા નહીં અને એટલા જ માટે હું વડાપ્રધાન મોદીને ભેટયો હતો.

Gujarat