For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરમાં કોઇ બંદૂક ઉઠાવશે તો સાફ કરી નાખીશું : સૈન્યની ચેતવણી

- પુલવામા હુમલા બાદ સૈન્ય આક્રમક બન્યું, બદલો લેવાની તૈયારી શરૂ

- કાશ્મીરમાં માતાઓ પોતાના સંતાનોને આતંકવાદ છોડવા કહે નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે

Updated: Feb 19th, 2019

Article Content Image

પુલવામા હુમલામાં પાકિસ્તાન, આઇએસઆઇનો હાથ : જૈશનો ખાતમો બોલાવીશું : સૈન્ય 

નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, આ હુમલામાં કાશ્મીરી અને પાકિસ્તાની આતંકીઓ સામેલ છે. જેને પગલે હવે સૈન્યએ કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે આક્રામક પગલા લીધા છે.

સૈન્ય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ કાશ્મીરમાં હથિયાર ઉઠાવશે તેને સાફ કરી દેવામાં આવશે. સૈન્યએ આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે કાશ્મીરમાં પુલવામામાં પાંચ જ દિવસમાં બે મોટા આતંકી હુમલા થયા છે જેમાં ૪૫ જવાનો શહીદ થયા છે. 

સૈન્યના અધિકારી કો. લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધીલ્લોને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી, જે દરમિયાન કાશ્મીરના આઇજી એસપી પાની અને સીઆરપીએફના આઇજી ઝુલ્ફીકાર હસન પણ હાજર રહ્યા હતા.

ધીલ્લોને કહ્યું હતું કે પુલવામા હુમલા પાછળ આઇએસઆઇ અને પાકિસ્તાની આર્મીનો હાથ છે. આ બન્નેએ મળીને જ જૈશ-એ-મોહમ્મદને ભારતમાં હુમલા માટે તૈયાર કર્યું છે. સાથે કાશ્મીરના યુવાઓને પણ અપીલ કરી છે કે તેઓ આતંકી પ્રવૃત્તિમાંથી બહાર આવી જાય અને હથિયાર મુકી દે, તેમણે કહ્યું છે કે કાશ્મીરની માતાઓ પોતાના સંતાનોને આ રસ્તે જતા અટકાવે. 

ધીલ્લોને સાથે આક્રામક રીતે ચેતવણી જારી કરી દીધી છે કે જે પણ વ્યક્તિ હથિયાર ઉઠાવશે અને આતંકી પ્રવૃત્તિમાં સામેલ થશે તેનો સફાયો કરતા અમને હવે વાર નહીં લાગે. આવા લોકો જો સરેન્ડર કરે તો ઠીક છે બાકી હવે અમે છોડવાના નથી.

આ આકરો સંદેશો છે અને દરેક વ્યક્તિ તેના પર ધ્યાન આપે. જ્યારે સોમવારે ચાલેલા ઓપરેશનમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી પણ ઠાર મરાયો હતો. જેને પગલે સૈન્યએ જણાવ્યું હતું કે આવા અનેક ગાઝી આવ્યા અને ગયા, કોઇ પણ હુમલાખોરને છોડવામાં નહીં આવે. 

હાલ સરહદે ઘુસણખોરી પણ વધી ગઇ છે, આ અંગે સૈન્યના અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં સૌથી વધુ સાંબા, હિરાનગર, પઠાણકોટ સેક્ટરમાં સૌથી વધુ ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા છે. દરમિયાન આઇજી એસપી પાનીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કાશ્મીરના નાગરીકો પોતાના સંતાનોને આતંકી બનતા અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેમાં ઘણીખરી સફળતા પણ મળી રહી છે. કાશ્મીરની માતાઓ પોતાના ભટકેલા સંતાનોને સમજાવે.

Gujarat