For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણ કાશ્મીર કેવી રીતે બન્યુ જૈશ એ મહોમ્મદનુ ગઢ, જાણો

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર

ચોખા અને કેસરની ખેતી માટે જાણીતો દક્ષિણ કાશ્મીરનો પુલવામા જિલ્લો આતંકવાદી હુમલા બાદ આખી દુનિયામાં રાતોરાત કુખ્યાત બની ગયો છે.

છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદે પુલવામા જિલ્લામાં કરેલા પગપેસારાના કારણે હવે આ જિલ્લો જૈશ એ મહોમ્મ્દનો પણ ગઢ ગણાવા લાગ્યો છે.સીઆરપીએફના જવાનો પરના હુમલાની જવાબદારી પણ આ સંગઠને લીધી છે.

કાશ્મીર ખીણમાં આતંકવાદના પોસ્ટર બોય બનેલા હિઝબુલ કમાન્ડર બુરહાન વાણીને સુરક્ષાદળોએ 8 જુલાઈ, 2016ના રોજ મોતને ઘાટ ઉતાર્યો હતો.આ એન્કાઉન્ટર પહેલા જૈશ સંગઠન કાશ્મીર ખીણમાં ખતમ થઈ જવાની અણી પર હતુ પરંતુ છેલ્લા અઢી વર્ષમાં તે ફરી સક્રિય થઈ ગયુ છે.જૈશ એ મહોમ્મદનુ લક્ષ્ય સેંકડો બુરહાન વાની તૈયાર કરવાનુ છે.

સંરક્ષણ સૂત્રોનુ કહેવુ છે કે પહેલા જૈશ એ મહોમ્મદ કાશ્મીરમાં લશ્કરે એ તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના હાથ નીચે કામ કરતુ હતુ પણ આ વર્ષે સુરક્ષાદળો પર જેટલા હુમલા થયા છે તે પૈકીના મોટાભાગના હુમલાઓમાં જૈશની ભાગીદારી રહી છે.પુલવામા જિલ્લો પાકિસ્તાનની સરહદથી દુર છે એટલે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ માટે આ જિલ્લામાં પહોંચવાનુ કામ મુશ્કેલ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને જૈશ એ મહોમ્મ્દે સ્થાનિક યુવાનોની ભરતી શરુ કરી હતી.ભરતી થનારા યુવાનોને બાકીના સંગઠનો કરતા જૈશ એ મહોમ્મદ પાસેથી હથિયારો વધારે આસાનીથી મળી રહ્યા છે.

જૈશ એ મહોમ્મદના આકા મસૂદ અઝહરને સેનાએ દક્ષિણ કાશ્મીરમાંથી 1994માં પકડ્યો હતો.એ પછી કંદહાર પ્લેન હાઈજેકિંગ પ્રકરણ બાદ મસૂદને છોડી મુકવાની ભારત સરકારને ફરજ પડી હતી.

ગુપ્તચર એજન્સીઓનુ માનવુ છે કે જૈશ દ્વારા મોટા પાયે હુમલા કરવા માટે નિષ્ણાતોને કામે લગાડવામાં આવ્યા છે.પુલવામામાં થયેલા હુમલાની યોજના પાકિસ્તાની નાગરીક કામરાને બનાવી હતી.જે આ સંગઠનનો સભ્ય છે.કામરાન દક્ષિણ કાશ્મીરમાં સક્રિય છે.તેની પણ શોધ ચલાવાઈ રહી છે.

Gujarat